ખોડિયારનગરનાં આધેડનું હૃદયરોગના હુમલાથી મોત
શહેરમાં હૃદયરોગના હુમલાએ હાહાકામ મચાવ્યો હોય તેમ વધુ એક આધેડનું હૃદય બેસી ગયું હોવાની ઘટના સામે આવી છે. જેમાં ખોડીયારનગર મેઈન રોડ પર રહેતાં 50 વર્ષના આધેડનું હૃદયરોગના હુમલાથી મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ, શહેરમાં ખોડીયાનગર મેઈન રોડ પર રહેતાં અને નાગરિક બેંકમાં કોન્ટ્રાકટ બેઈઝ પર સિકયુરિટી ગાર્ડમાં નોકરી કરતાં રણજીતભાઈ કાનાભાઈ ગઢવી નામના 50 વર્ષના આધેડ સવારના નવેક વાગ્યાના અરસામાં પોતાના ઘરે હતાં ત્યારે હૃદયરોગનો હુમલો આવતાં તાત્કાલીક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં.
જ્યાં તેમનું મોત નિપજતાં પરિવારમાં ગમગીની છવાઈ જવા પામી હતી. આ ઉપરાંત બીજા બનાવમાં જામનગર રોડ પર આવેલા પરસાણાનગરમાં રહેતાં હેમતભાઈ રમેશભાઈ બજાજ (ઉ.44) પોતાના ઘરે હતા ંત્યારે બિમારી સબબ બેભાન હાલતમાં ઢળી પડતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી પ્રસરી હતી. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.