શિવરાજપુરના વ્યાજખોરના ત્રાસથી આધેડનો આપઘાતનો પ્રયાસ : છ સામે ફરિયાદ
શિવરાજપુરના આધેડે હિરા ઘસવાનું કારખાનું ચલાવવા માટે અલગ અલગ વ્યાજખોરો પાસેથી રૂા. 7.50 લાખ વ્યાજે લીધા બાદ વ્યાજના વિશચક્રમાં ફસાતા તેમજ વ્યાજખોરોને નાણા નહીં ચુકવતા વ્યાજખોરોએ ધમકી આપવાનું શરૂ કર્યુ હતું. જેથી કંટાળી જઈ ગઈકાલે સવારના સમયે તેમણે ઘઉમાં નાખવાના ટીકડા ખાઈ લઈ આપઘાતનો પ્રયાસ કરતા તેમને સારવાર માટે રાજકોટની સિવિલહોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ મામલે જસદણ પોલીસ મથકમાં છ વ્યાજખોરો વિરુદ્ધ મનીલેન્ડ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
મળતી વિગતો મુજબ જસદણના શિવરાજપુરમાં રહેતા છગનભાઈ જીવાભાઈ મુલાણી નામના કોળી આધેડે પોતાની ફરિયાદમાં સમીર,હુસેન, ઉદય દિલીપભાઈ ધાંધલ, ભાભલુભાઈ, ક્રિપાલ ગભરુ મોડા, અને અશોક ચનાભાઈ ગોલાણી વિરુદ્ધ જસદણ પોલીસ મથકમાં વ્યાજખોરી અંગે ફરિયાદ નોંધાવી છે. છગનભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમણે ત્રણેક વર્ષ પહેલા હિરાઘસવાનું કારખાનું ચલાવવું હોયજેથી પૈસાની જરૂરિયાત ઉભી થતાં તેમણે સમીર પાસેથી રૂા. એક લાખ વ્યાજે લીધા હતા તેની સામે તેમણે 3.50 લાખ ચુકવી દીધા હતાં. આમ છતાં તેમનો ભાઈ હુસેન વધુ નાણાની માંગણી કરી ધમકી આપતો હતો તેમજ ઉદય ધાંધલ પાસેથી રૂા. 50 હજાર વ્યાજે લીધા હતાં. તેમની સામે 1 લાખ 10 હજાર વ્યાજ ચુકવી દીધું હતું.
ત્યાર બાદ ભાભલુભાઈ પાસેથી છગનભાઈએ 40 હજાર વ્યાજે લીધા હતાં. તેમનીસામે તેમણે 40 હજાર નાણા ચુકવી દીધા હતાં. તેમજ ક્રિપાલ મોડા પાસેથી છગનભાઈએ ચાર લાખ રૂપિયા વ્યાજે લીધા હતાં. તેના બદલામાં આરોપી ક્રિપાલે છગનભાઈ પાસેથી મકાનનો દસ્તાવેજ કરાવી લઈ વધુ નાણાની ઉઘરાણી શરૂ કરી હતી. તેમજ અશોક ગોલાણી પાસેથી 50 હજાર વ્યાજે લીધા હતાં. તેમણે છગનભાઈ પાસેથી બેંકનાચેક બળજબરીથીકઢાવી લઈ ઉછીના પૈસા બાબતની પ્રોમીસરી નોટ લખાવી લીધી હતી.
આ તમામ છ શખ્સો અવાર નવાર નાણાની ઉઘરાણી કરતા હોય તેમજ ધમકી આપતા હોય કે છગનભાઈએ ગઈકાલે સવારના સમયે ઘઉંમા નાખવાના ઝેરી ટીકડા ખાઈ લેતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.