યાદગાર રવિવાર: એર-શોમાં માનવ મહેરામણ ઉમટ્યો
ગરુડ કમાન્ડો દ્વારા રેસ્કયુ મિશન અને આકાશ ગંગાના સ્કાયડાઇવિંગને હજારો લોકોએ તાળીઓ સાથે વધાવી
સૂર્યકિરણની ટીમે 9 વિમાનો દ્વારા આકાશમાં ત્રિરંગા અને હાર્ટ સહિતના અદ્ભૂત ફોર્મેશન રચી લોકોના દિલ જીતી લીધા
મ્યુનિ.કમિશનરનું માઇક્રો પ્લાનિંગ સફળ, શહેરીજનો વિનાવિધ્ને શો નિહાળી રોમાંચિત થયા
રાજકોટની તારીખમાં રવિવારનો દિવસ ઐતિહાસિક ઘટનાનો સાક્ષી બન્યો હતો. એવું લાગતું હતું કે શહેરના તમામ રસ્તાઓ અટલ સરોવર-સ્માર્ટ સિટી એરિયા તરફ જ જતા હતાં. ભારતીય વાયુ સેના અને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એટલ સરોવર આસપાસના વિસ્તારોના આકાશમાં સવારે 10:00 વાગ્યાથી યોજાયેલ અભૂતપૂર્વ સૂર્યકિરણ એર-શોએ હજ્જારોની સંખ્યામાં ઉમટી પડેલી જનમેદનીને રોમાંચિત કરી દીધી હતી. ભારતીય વાયુ સેનાના જવાનોની વીરતા, શૌર્ય, શિસ્તબધ્ધતા, અને પરફેક્શન કેવા હોય તેની ફૂલ સ્કેલ ઝલક નિહાળી સમગ્ર રાજકોટની જનતાએ વાયુ સેના અને તેના જવાનો પ્રત્યે અહોભાવ અને કૃતજ્ઞતા વ્યક્ત કરી હતી.
સવારે 10:00 વાગ્યાથી યોજાયેલ યાદગાર અને અભૂતપૂર્વ એર શો સાથે, પ્રથમ વખત પ્રતિષ્ઠિત એર ફોર્સબેન્ડનું પણ આકર્ષક લાઈવપરફોર્મન્સ પણ શહેરના નાગરિકોએ માણ્યું હતું.આ ઉપરાંત ગરૂડ કમાન્ડોના શસ્ત્ર, મિસાઈલ અને અન્ય સાધનોનું ભાગ્યે જ જોવા મળે તેવું શાનદાર પ્રદર્શન પણ લોકોએ નિહાળ્યું હતું. આકાશ ગંગા સ્કાયડાઈવિંગ ટીમના જવાનો દ્વારા 8000 ફૂટની ઉંચાઈએ ઉડતા એરક્રાફ્ટ માંથી પેરાશૂટ સાથે આકાશમાં જમ્પ કરી લોકોના દિલની ધડકન તેજ કરી દીધી હતી. આ જવાનોએ અટલ સરોવરના મેદાનમાં પરફેક્ટ સફળ લેન્ડીંગ કરી ઉપસ્થિત સૌ કોઈના દિલ જીતી લીધા હતા. ત્યારબાદ હેલિકોપ્ટર MI- 17ટ5 દ્વારા વિંગસિંગ ઓપરેશનમાં જવાનોને એરલિફ્ટ કરવામાં આવ્યા હતા.કાર્યક્રમ દરમિયાન દર્શકોને દેશના વીર જવાનોની તૈયારી, શિસ્ત અને સાહસનો જીવંત અનુભવ થયો હતો. આ પછી એરફોર્સ બેન્ડનાપરફોર્મન્સ સાથે આકાશમાં નવ નવ વિમાનો દ્વારા ભવ્ય એર-શો યોજાયો હતો.આ કાર્યક્રમોએ રાજકોટના આકાશ અને ધરતી બંનેને દેશપ્રેમ, ગૌરવ અને સંગીતની સુંદરતાથી રંગીને શહેર માટે ઐતિહાસિક ક્ષણોસર્જી હતી.
એરફોર્સ બેન્ડ પર દેશભક્તિ ગીતો, પ્રખ્યાત મીલિટરી બેન્ડ ટ્યૂન્સ, આધુનિક સંગીતના ઇન્સ્ટ્રુમેન્ટલ્સ અને વિશેષ વાયુસેના થીમ મ્યુઝિકે સમગ્ર એર-શોમાં અભૂતપૂર્વ માહોલ સર્જ્યો હતો. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અટલ સરોવરની આસપાસના સ્માર્ટસિટી વિસ્તારમાં અલગ અલગ સ્થળોએ 17 થી 20 જેટલી મોટી સ્ક્રીન મુકવામાં આવી છે અને તેના માધ્યમથી બહોળી સંખ્યમાં લોકો એર-શોના સાક્ષી બન્યા હતા. એરફોર્સના કમાન્ડો દ્વારા આપવામાં આવતા કમાન્ડને નિહાળવાની સાથે અવકાશમાં થતા ફાઈટર પ્લેનના પરફોર્મન્સ પણ સરળતાથી નિહાળી શકાયા હતા. અટલ સરોવરની ફરતે આવેલા જુદાજુદા રસ્તાઓ પર તેમજ આજુબાજુના ટેકરાઓ પર હજજારોની સંખ્યામાં એકત્ર થયેલા લોકો માટે આજનો આ અવસર યાદગાર બની ગયો હતો.
તુષાર સુમેરાનું માઇક્રો પ્લાનિંગ: અદ્ભૂત વ્યવસ્થા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અટલ સરોવર ખાતે શહેરીજનો માટે અદ્ભૂત વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. મનપાના કમિશનર તુષાર સુમેરાના માર્ગદર્શન હેઠળ ટીમ દ્વારા સતત પાંચ દિવસ મહનેત કરી એરશોને યાદગાર બનાવ્યો હતો. અટલ સરોવાર ફરતે 30 થી વધુ સાઉન્ડ ટાવર સ્ટેન્ડ ઉભા કરવામાં આવ્યા હતાં. જેના માધ્યમથી અટલ સરોવર ફરતે રહેલા નાગરિકોએ ભવ્ય એર-શો અંગેની માહિતી અને લાઈવબેન્ડનીસૂરાવલીનો આનંદ પણ મેળવ્યો હતો. અટલ સરોવરનીઆસપાસના વિસ્તારમાં કુલ-7 વ્યુપોઈન્ટ અને કુલ-8 પાર્કિંગ પ્લોટ નક્કી કરવામાં આવેલ હતા. નાગરિકોને ભારતીય વાયુસેનાની વીરતા, પરંપરા,શિસ્ત અને પ્રતિષ્ઠાનો નજીકથી પરિચય કરાવવા, યુવાનોમાં રાષ્ટ્રસેવાની ભાવનાને પ્રેરિત કરવા, દેશભક્તિને નવી ઊંચાઈએ લઈ જતું સાંસ્કૃતિક અને સાહસિક સંયોજન પ્રદાન કરવા અને શહેરની પ્રગતિશીલ છબીમાં એક અભૂતપૂર્વ ઉમેરો કરવા અંગેનો આ ઐતિહાસિક ઇવેન્ટનો હેતુ હતો.