ઉપલેટાના મેખાટીંબી ગામે શેઢાની તકરારમાં બે જૂથ વચ્ચે સશસ્ત્ર ધીંગાણું ખેલાયું; 3ને ઈજા
- શેઢા પરના ઝાડના ડાળખા કાપતા માથાકૂટ થઈ : સામસામો નોંધાતો ગુનો
રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મેખાટીબી ગામે સેઢાની તકરારમાં આહીરના બે જૂથ વચ્ચે બોલાચાલી થયા બાદ સામ સામા કુહાડી, પાઈપ, લાકડી વડે હુમલો કરતાં ધીંગાણુ ખેલાયું હતું. જેમાં બન્ને પક્ષના 3 વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. આ બનાવને પગલે પોલીસે બન્ને જૂથની ફરિયાદ પરથી સામસામા ગુના નોંધી તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ, ઉપલેટાના નાગવદર ગામે રહેતા સવદાસભાઈ લખમણભાઈ ભીંભા (ઉ.43)એ પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે નાગવદર ગામના રાણાભાઈ મસરીભાઈ ભાદરકા, રમાબેન રાણાભાઈ, જયેશ રાણાભાઈ અને જીણાભાઈ મસરીભાઈના નામ આપ્યા છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદીએ મેખાટીબી ગામની સીમમાં જમીન ભાગે વાવવા રાખેલ હોય જેના શેઢે આવેલ ઝાડની ડાળીઓ કાપવા માટે પિતા-પુત્ર વાડીએ ગયા હતાં ત્યારે ઝાડની ડાળીઓ કાપવા બાબતે શેઢા પાડોશી સાથે ઝઘડો થતાં આરોપીઓ કુહાડી, લાકડી વડે ફરિયાદી અને તેના પુત્ર પર હુમલો કરી ફરિયાદીના પુત્ર રામભાઈને ફેકચર જેવી ઈજા કરી હતી.
જ્યારે સામા પક્ષે રાણાભાઈ મસરીભાઈ ભાદરકાએ પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે સવદાસભાઈ લખમણભાઈ ભીંભા અને તેનો પુત્ર રામ સવદાસભાઈ ભીંભાનું નામ આપ્યું છે. જેમાં પિતા પુત્રએ શેઢા બાબતે માથાકુટ કરી ફરિયાદી અને તેના પરિવારજનો પર હુમલો કરી ફેકર જેવી ઈજા કર્યાનું જણાવ્યું છે. આ ધીંગાણામાં બન્ને જૂથના 3 વ્યક્તિઓને ઈજા પહોંચી હતી. આ બનાવની જાણ થતાં ઉપલેટા પોલીસ ઘટના સ્થળે દોડી જઈ બન્ને જૂથની ફરિયાદ પરથી સામ સામા ગુના નોંધી વિશેષ તપાસ હાથ ધરી છે.
જસદણમાં સામાન્ય બાબતે પ્રૌઢ પર હુમલો કરી ધમકી આપી
જસદણ વાજસુરપરામાં રહેતા વિનોદભાઈ ત્રિકમભાઈ કુબાવત (ઉ.50) નામના બાવાજી પ્રૌઢને જુના મનદુ:ખનો ખાર રાખી રવિ કુબાવતે લોખંડના સળીયા વડે માર મારી ફેકચર જેવી ઈજા કરી ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.