જામજોધપુર પંથકમાં મેઘરાજાની તોફાની બેટિંગ: છ ઇંચ મૂશળધાર
ધ્રોલ અઢી અને કાલાવડ સાડા ત્રણ અને જોડિયામાં પણ આજે સવારે દોઢ ઇંચ વરસાદ: જામનગર શહેર અને લાલપુરમાં વરસાદી ઝાપટાં વરસ્યા
જામનગર શહેર અને જિલ્લામાં મેઘરાજાએ એક દિવસનો વિરામ રાખ્યા પછી ગઈકાલે બપોર બાદ જામજોધપુર અને કાલાવડમાં ફરી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે, અને ચાર કલાકના સમયગાળા દરમિયાન જામજોધપુરમાં ધોધમાર છ ઈંચ અને કાલાવડ મા સાડા ત્રણ ઇંચ વરસાદ પડી ગયો હોવાના અહેવાલો મળ્યા છે. જયારે ધ્રોલમાં અઢી અને આજે સવારે જોડીયા માં પણ દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે. જામનગર શહેર અને લાલપુરમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. જામનગર શહેર અને જિલ્લામાં આજે સવારથી ભારે ઉકળાટભર્યું વાતાવરણ બનેલું હતું.
ગઈકાલે કાલાવડમાં બપોર પછી વાતાવરણમાં બદલાવ જોવા મળ્યો હતો. ચાર વાગ્યા બાદ એકાએક હવામાનમાં પલટો આવ્યા પછી ગાજવીજ સાથે વરસાદ શરૂૂ થયો હતો. રાત્રિના આઠ વાગ્યા સુધીના ચાર કલાકના સમયગાળા દરમિયાન ધોધમાર છ ઇંચ વરસાદ વરસી જતાં ફરીથી નદી નાળામાં પુર આવ્યા હતા, તેમજ આસપાસના ચેકડેમ તળાવ વગેરેમાં નવા પાણીની આવક થઈ છે. કાલાવડ ઉપરાંત છ વાગ્યા થી આઠ વાગ્યા સુધીના બે કલાકના સમયગાળા દરમિયાન ધ્રોલમાં પણ અઢી ઇંચ વરસાદ પડી ગયો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. જયારે જામનગર શહેરમાં રાત્રિના આઠ વાગ્યાથી ધીમીધારે વરસાદી ઝાપટાં શરૂ થયા હતા.
લાલપુર પંથકમાં પણ બપોર બાદ હવામાનમાં પલ્ટો આવ્યા પછી આકાશ વાદળોથી ઘેરાયેલું બન્યું હતું, અને છૂટાછવાયા વરસાદી ઝાપટાં વરસી રહ્યા છે. જામનગર જિલ્લાના કાલાવડ લાલપુર સહિતના ગ્રામ્ય પંથકમાં પડેલા વરસાદના કારણે જામનગર શહેરને પાણી પૂરું પાડતા ચારેય જળાશયોમાં નવા નીર આવ્યા છે, જેથી જામનગર શહેર માટે હાલ ચાર માસ ચાલે તેટલો પાણી નો જથ્થો ચારેય ડેમમાં સંગ્રહ થયો છે.
જામનગરના રણજીતસાગર ડેમની સપાટી 22 ફૂટ ની છે, અને 636 એમ.સી.એફ.ટી. નવું પાણી આવ્યું છે. આ ઉપરાંત શહેરને પાણી પૂરું પાડતા સસોઇ ડેમમાં પણ 534 એમ.સી.એફ.ટી. નવા પાણીની આવક થતાં ડેમની કુલ સપાટી 13.88 ફુટ થઇ છે. આ ઉપરાંત ઉંડ -1 ડેમમાં પણ 1189 એમ.સી.એફ.ટી. પાણી આવતાં હાલ ડેમની સપાટી 13.70 ફૂટ થઈ છે. જ્યારે આજી ડેમમાં પણ ગઈકાલે 728 એમસીએફટી નવું પાણી આવ્યું છે, અને આ ડેમની સપાટી પણ 17.32 ફૂટ થઈ છે. ચારેય જળાશયો માં નવા પાણીની આવક થવાથી જામનગર શહેર માટે ચારેક મહિના જેટલો પાણી નો જથ્થો સંગ્રહિત થયો છે, એમ જામનગર મહાનગર પાલિકાની વોટર વર્કસ શાખાના અધિકારી અલ્પેશ ચારણીયા સાથેની વાતચીતમાં જાણવા મળ્યું છે. અને હજુ પણ વરસાદી વાતાવરણ બંધાયેલું છે, જેથી તમામ ડેમમાં વધુ પાણીની આવક થઈ શકે તેમ છે.
25 ડેમ પૈકી 8 જળાશયો ઓવર ફ્લો થયા
જામનગર શહેર અને જિલ્લામાં ગઈકાલ થી મેઘરાજાનો વધુ એક રાઉન્ડ જોવા મળ્યો હતો, અને ગઈકાલ થી પડી રહેલા વરસાદના કારણે જામનગર જિલ્લાના 25 જળાશયોમાંથી આઠ જળાશયો ઓવરફ્લો થયા છે. જયારે અન્ય પાંચ જળાશયમાં નવા પાણીની આવક થઈ છે. ગઈકાલથી પડી રહેલા વરસાદના કારણે જામનગર નજીક આવેલો સપડા ડેમ કે જે ગઈકાલના વરસાદથી ઓવરફ્લો થઈ ગયો છે. તે ઉપરાંત રસોઈ-2 ડેમ કે જે અનગેટેડ છે, તે ડેમ પણ ઓવરફ્લો થઈ ગયો છે, અને ડેમની પાળી પરથી પાણી પસાર થઈ રહ્યું છે. ત્યારબાદ ઉંડ-4 ડેમ, તેમજ ડાઇમીણસાર અને વાગડિયા ડેમ કે જે ત્રણેય ડેમ પણ અનગેટેડ છે, અને તે ડેમ પણ પુરા ભરાઈ ગયા છે. અને ઓવરફલો થઈ રહ્યા છે. આ ઉપરાંત ઉમિયા સાગર ડેમ માં પાણી નો વધુ જથ્થો આવી ગયો હોવાથી ડેમના 4 પાટીયા ખોલીને પાણી છોડવામાં આવી રહ્યું છે, અને ડેમની સપાટી જાળવવામાં આવી છે. જ્યારે વાગડિયા ડેમ અને ઉન્ડ-4 ડેમ કે જે અનગેટેડ છે, અને તે પણ ઓવરફ્લો થઈ ગયા છે. ઉપરાંત અન્ય પાંચ જળાશયોમાં ગઈકાલે નવા પાણીની આવક થઈ છે.