મેઘરાજાની બેટિંગ શરૂ, સોનગઢ-વ્યારા-વલસાડમાં સટાસટી
સવારે 6થી બપોરે બે વાગ્યા સુધીમાં 99 તાલુકામાં ઝાપટાંથી માંડી 8 ઈંચ વરસાદ
ગુજરાતમાં ફરી એકવાર વરસાદનો ભારે રાઉન્ડ શરૂ થયો છે. આજે સવારે 6 વાગ્યાથી બપોરે બે વાગ્યા સુધીમાં ગુજરાતના 99 તાલુકામાં વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ સટાસટી બોલાવતા સોનગઢ, વઘઈ, વ્યારા અને વાસદામાં 6 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. ભારે વરસાદને કારણે રોડ-રસ્તા પર નદીની જેમ પાણી વહેતા થયા હતાં.
હવામાન ખાતાની આગાહી પ્રમાણે આજે વરસાદની બીજીઈનીંગ શરૂ થઈ છે. જેમાં સોનગઢમાં 8 ઈંચ, વધઈમાં 7 ઈંચ, તાપીમાં 6॥, વાસદામાં 6॥, તાપીના ઉચ્છલ અને ડોલવનમાં પાંચ ઈંચ સુધી વરસાદ વરસી ગયો છે. ભારે વરસાદને પગલે તાપી જિલ્લાની નદીઓમાં ઘોડાપુર આવ્યા હતાં. ડોલવણથી પસાર થતી ઓલણ નદીની જળસપાટી વધતા નદી પરના લોલેવલ બ્રીજ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જેના પગલે વાહન વ્યવહાર પ્રભાવિત થતાં પંચોલ, પીઠાદરા સહિતના ગામોને જોડતો વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો.
લુણાવાડા શહેરના માંડવી બજાર લુણાવાડા શહેરના માંડવી બજાર, હાટડીયા બજાર, હુસૈની ચોક, વરધરી રોડ સહિતના માર્ગ પર પાણી ભરાયા હતા. વહેલી સવારે ધોધમાર વરસાદના કારણે વિદ્યાર્થીઓ અને નોકરિયાતોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.
મહીસાગર, લુણાવાડા, સંતરામપુરમાં વરસાદ વરસ્યો હતો. કડાણા, ખાનપુર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.
બાલાસિનોર, વીરપુર તાલુકામાં પણ વરસાદ વરસ્યો હતો. સંતરામપુર શહેરના રસ્તાઓ પર વરસાદી પાણી ભરાયા હતા. વીજળીના કડાકા, ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે.
દાહોદ જિલ્લામાં પણ વરસાદ વરસ્યો હતો. મોડી રાતથી દાહોદ શહેર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. ફતેપુરામાં વરસાદ વરસ્યો છે. માધવા, પાટવેલ, કંકાસીયા, સલરા,આપતલાયમાં વરસાદ વરસ્યો હતો. ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ફતેપુરા તાલુકામાં વરસાદી માહોલ જામ્યો હતો. ફતેપુરા સહિત આસપાસના ગામડામાં ધોધમાર વરસાદ પડ્યો હતો.
ક્યાં કેટલો વરસાદ
તાલુકો ઈંચ
સોનગઢ (તાપી) 8
વધઈ (ડાંગ) 7
વ્યારા (તાપી) 6॥
વાસદા (નવસારી) 6॥
ઉચ્છલ (તાપી) 6
ડોલવણ (તાપી) 5॥
સુબીર (ડાંગ) 4॥
ડાંગ-આહવા 4
(બપોરે 2:30 વાગ્યા સુધીની વિગત)
આવતીકાલથી સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
આવતી કાલે ભરૂચ અને સુરતમાં રેડ એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની આગાહી છે. જ્યારે આણંદ, વડોદરા, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, બોટાદ, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ઉપરાંત છોટા ઉદેપુર, પંચમહાલ, ખેડા, અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલીમાં યલો એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે. 4 સપ્ટેમ્બરે કચ્છ, બનાસકાંઠા, નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે સુરત, તાપી, ડાંગ, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબીમાં યલો એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે. 5 સપ્ટેમ્બરે કચ્છ, બનાસકાંઠા, પાટણ, નવસારી, વલસાડમાં યલો એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે. 6 સપ્ટેમ્બરે નવસારી અને વલસાડમાં યલો એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે.