સોરઠ ધમરોળી નાખતા મેઘરાજા
વંથલીમાં 14.5, વિસાવદરમાં 13 અને જૂનાગઢમાં 12 ઇંચ વરસાદ
કેશોદમાં પણ 10 ઇંચ, 48 કલાકમાં 13થી 21 ઇંચ પાણી પડી જતા સમગ્ર પંથક જળબંબોળ
24 કલાકમાં રાજ્યના 217 તાલુકામાં નોંધપાત્ર વરસાદ, હજુ 48 કલાક ભારે વરસાદની આગાહી
જુનાગઢ જિલ્લાને છેલ્લા 48 કલાકમાં મેઘરાજાએ રીતસર ધમરોળી નાખ્યો હોય તેમ છેલ્લા 48 કલાકમાં 13 ઇંચથી માંડી 21 ઇંચ જેવો વરસાદ ખાબકી જતા ચોતરફ જળબંબાકાર થઇ ગયેલ છે. ગઇકાલે 8.5 ઇંચ વરસાદથી તરબતર બનેલા માણાવદરમાં આજે સવારે પુરા થતા 24 કલાકમાં વધુ 9 ઇંચ વરસાદ ખાબકયો હતો. જયારે વંથલીમાં ગઇકાલે છ ઇંચ વરસાદ પડયા બાદ આજે સવાર સુધીમાં વધુ 14.5 ઇંચ વરસાદ ત્રાટકતા 48 કલાકનો કુલ વરસાદ 20.6 ઇંચે પહોંચ્યો છે. આ સિવાય કેશોદમાં પણ 24 કલાકમાં વધુ 10 ઇંચ વરસાદ ત્રાટકતા 48 કલાકનો વરસાદ 13 ઇંચ થયો છે. જુનાગઢને પણ મેઘરાજાએ ધમરોળ્યુ હોય તેમ 24 કલાકમાં 12 ઇંચ અને 48 કલાકમાં 16 ઇંચ વરસાદ પડી ગયો છે.
આ ઉપરાંત ખંભાળીયામાં પણ છેલ્લા 24 કલાકમાં 9 ઇંચ વરસાદ પડી જતા 48 કલાકમાં કુલ 12 ઇંચ, ધોરાજીમાં પણ 24 કલાકમાં 3 અને 48 કલાકમાં 10 ઇંચ વરસાદ નોંધાયો છે. ભેસાણમાં આજે સવાર સુધીમાં વધુ સાત ઇંચ વરસાદ પડતા 48 કલાકનો 11.25 ઇચ થયો છે. આજ રીતે માળીયા હાટીના (8.5 ઇંચ), રાજુલા (6 ઇંચ), મોરબી (8 ઇંચ), 48 કલાકમાં તરબતર થઇ ગયા છે. હજુ આગામી બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યભરમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 217 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જૂનાગઢના વંથલીમાં સૌથી વધુ 14.5 ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે વિસાવદરમાં સાડા 13 ઈંચ વરસાદ ખાબક્યો છે.
કેશોદમાં 10 ઈંચ વરસાદ વરસ્યો છે. ત્યારે બારડોલીમાં 9 ઈંચ વરસાદ વરસ્યો છે. બીજી તરફ ખંભાળિયા અને માણાવદરમાં 9 ઈંચ વરસાદ વરસ્યો છે. નવસારીમાં 8 ઈંચ, કલ્યાણપુર અને જલાલપોરમાં 8 ઈંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત ગુજરાતના કુલ 32 તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે.
રાજયમાં સુરતના ઓલપાડ સહીત 15 તાલુકામાં સાડા ત્રણ ઇંચ સુધીનો વરસાદ પડયો છે. 20 તાલુકામાં 3 ઇંચ સુધી, 30 તાલુકામાં બે ઇંચ વરસાદ, 48 તાલુકામાં એક ઇંચ અને રાજયના 70 તાલુકામાં ઝરમરથી લઇને અડધા ઇંચ જેટલો વરસાદ પડયો છે. હજુ પણ પાંચ દિવસ વરસાદ સમગ્ર રાજયને ધમરોળશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.