નવરાત્રીમાં તાલ મિલાવતા મેઘરાજા, 77 તાલુકામાં વરસાદ
વાલોદ- વ્યારામાં ત્રણ ઇંચ, 34 તાલુકામાં અડધો ઇંચથી વધુ પાણી પડી જતા ખેલૈયાઓના રંગમાં પડયો ભંગ, અમુક સ્થળે ચાલુ વરસાદે ગરબાની જમાવટ
સૌરાષ્ટ્ર-ગુજરાતમાં નવરાત્રી બરાબર જામી છે ત્યારે જ મેઘરાજાએ પણ તાલ મિલાવવાનું શરૂ કર્યું છે અને છેલ્લા 24 કલાકમાં 77 તાલુકામાં સામાન્ય ઝાપટાથી માંડી ત્રણ ઇંચ સુધી વરસાદ ખાબકી જતા અનેક સ્થળે નવરાત્રીના રંગમાં ભંગ પડયો હતો તો કેટલાક સ્થળે ખેલૈયાઓએ વરસતા વરસાદમાં પણ રાસ-ગરબાની મોજ માણી હતી.
આજે સવારે પુરા થતા 24 કલાકમાં તાપીના વાલોદ અને વ્યારામાં ત્રણ, ડોલવાણમાં પોણા ત્રણ, કોડીનાર-પલસાણામાં અઢી, માંગરોળમાં સવા બે મહુવામાં સવા બે, ગણદેવી- સુરત-કામરેજ- સોનગઢ- માંડવીમાં દોઢથી પોણા બે ઇંચ વરસાદ નોંધાયો હતો. રાજયના 18 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જયારે 34 તાલુકામાં અડધા ઇંચથી વધુ વરસાદ પડયો હતો.
કોડીનાર
સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાંગઇકાલે સવાર વાતાવરણ માં બદલાવ થવાનો શરૂૂ થયા બાદ આજે બપોરે એક કલાકમાં બે ઈંચ ધોધમાર વરસાદ વર્ષયો છે.જેને લઈને કોડીનારના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.આમ છતાં વાહન વ્યવહાર પૂર્વવત છે.કોડીનારના પાણી દરવાજા મુખ્ય રોડ,બસ સ્ટેન્ડ વિસ્તાર સુગર ફેકટરી રોડ, હરિ ૐ ચોક સહિતના વિસ્તારમાં પાણી ભરાયા છે.વાતાવરણ માં ભારે ગરમી વચ્ચે વરસાદ પડતાં વાતાવરણ માં ઠંડક પ્રસરી જવા પામી હતી .
ચોમાસામાં જતા જતા ગીરના ખેડૂતો માટે વરસાદ વેરી બન્યો હોય તેમ આજનાં ભારે વરસાદના કારણે ખેતરો તરબોળ થતાં ગીર સોમનાથ જિલ્લાના અનેક ખેડૂતો ની મગફળી માં નુકશાન, કેટલાક ખેડૂતોને મગફળીના પાથરા પડ્યા છે તો કેટલાક ખેડૂતો મગફળી લણવા ની તૈયારી હતા અને આકાશી આફત વરસતા ખેડૂતો ને પડ્યા પર પાટું જેવો ઘાટ ઘડાયો હતો ગીરનો ખેડૂત ચિંતિત બન્યો છે.
વેરાવળ
વેરાવળ તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ મુશળધાર વરસાદ વરસતા મગફળીના પાથરા પલળી ગયેલ છે. અત્યારે મગફળી કાઢવાની કામગીરી શરૂૂ થયેલ છે જેથી મગફળી ના પાથરા ખેતરો મા હતા અને તેના ઉપર જોરદાર વરસાદ વરસતા મગફળી ના પાથરા પલળી ગયેલ છે અને ખેતરો મા પાણી ભરાણા છે ખેડૂતો ની ચાર માસ ની મહેનત ઉપર પાણી ફરી વળતા ખેડૂતો ખુબજ દુ:ખી થયેલ મગફળી ની સાથે માલ ઢોરનો છારો પણ ફેલ થયેલ છે તસ્વીરમા ખેતરોમા પાણી ભરાયેલ નજરે પડે છે.
લોઢવા
ગઇકાલે બપોરે અચાનક આવેલા વરસાદથી લોઢવા પંથકમાં ખેડૂતોમાં ચિંતાનો માહોલ પ્રસરી ગયો છે. હાલ લોઢવા વિસ્તારમાં મગફળીની લણણી ની સીઝન ચાલુ છે. દરેક ખેતરમાં લણણીનું કામ પુરજોશમાં ચાલુ છે.
મોટા ભાગના ખેતરોમાં મગફળીના પાથરા કરેલા પડ્યા છે. તેના પર વરસાદ પડવાથી ડોડવા ઉગી નીકળશે તથા મગફળીનો ચારા નહિ મળે. વળી જે મગફળી ઉપાડી નથી તેમાં પણ ખૂબ પાકી ગયેલા ડોડવા જમીનની અંદર જ ઉગી જશે.
આ ઉપરાંત અન્ય પાકો જેવા કે સોયાબીન, જુવાર, કપાસ વગેરેમાં પણ ખૂબ નુકસાન થશે. આમ ખેડૂતોને હાથમાં આવેલ કોળિયો છીનવાઈ જશે.