છેલ્લા 24 કલાકમાં 55 તાલુકાઓમાં મેઘરાજાએ બોલાવી ધડબડાટી, આ જિલ્લામાં સૌથી વધુ ખાબક્યો વરસાદ
રાજ્ય પર વાવાઝોડાનું સંકટ યથાવત છે. હવામાન વિભાગે આગામી સાત દિવસ ગુજરાતમાં છુટાછવાયા સ્થળે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. આ દરમિયાન રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 55 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. રાજ્યના 51 તાલુકામાં 1 ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 55 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી રાજકોટમાં સૌથી વધુ 2.60 ઈંચ વરસાદ ખાબક્યો છે. જયારે અમરેલીના વડીયામાં 1.89 ઇંચ, સુરતના માંગરોળમાં 1.38 ઇંચ, આણંદના તારાપુર 1.02 ઇંચ, જામનગરના જામજોધપુરમાં 1 ઇંચ વરસાદ અને પંચમહાલના મોરવા હડફ, હાંસોટ, વાગરા, ગોંડલ, ઝઘડીયા, રાણાવાવ અને ભેસાણમાં પોણા ઇંચ વરસાદ વરસ્યો છે.
અરબસાગરમાં સર્જાયેલું લો પ્રેશર આજે ડીપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા છે. જેના પગલે આગામી સાત દિવસ ગુજરાતમાં છુટાછવાયા સ્થળે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ તરફથી માછીમારોને પણ દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે.
આજે ગુજરાત પ્રદેશના જિલ્લાઓમાં નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.