છેલ્લા 24 કલાકમાં 189 તાલુકામાં મેઘમહેર, કડીમાં સૌથી વધુ ચાર ઈંચ વરસાદ
રાજ્યમાં મેઘરાજા ધબધબાટી બોલાવી રહ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 189 તાલુકાઓમાં વરસાદ થયો છે. અનેક વિસ્તારોમાં સામાન્યથી ભારે વરસાદ નોંધાયો છે. જેને લીધે કેટલીક જગ્યાએ ભારે વરસાદથી તંત્ર ચિંતિત બન્યું છે.
મહેસાણાના કડીમાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે અમદાવાદના વિરમગામમાં પણ ભારે વરસાદ નોંધાયો હતો, અહીં 3.31 ઈંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય ખેરગામ અને ઉમરગામમાં અનુક્રમે 2.44 અને 2.32 ઇંચ વરસાદ થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 30 જેટલા તાલુકાઓમાં 1 ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. જયારે દેત્રોજ અને વાંસદામાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. તો ડેડિયાપાડા અને વઘઈમાં પણ પોણા બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. કલોલમાં 2.05 ઇંચ, દેત્રોજ-રામપુરામાં 1.85 ઇંચ વરસાદ થયો છે.
છેલ્લા 24 કલાકમાં વાસંદા અને સાવલીમાં 1.81 ઇંચ વરસાદ વરસ્યો છે, તો ડેડીયાપાડામાં 1.69 ઇંચ અને વઘઈમાં 1.54 ઇંચ વરસાદ પડ્યો છે. સાગબારામાં 1.46 ઇંચ, વ્યારામાં 1.38 ઇંચ, પેટલાદમાં 1.34 ઇંચ, વાપીમાં 1.30 ઇંચ, સંતરામપુરમાં 1.26 ઇંચ, નીઝરમાં 1.26 વરસાદ વરસ્યો છે.
30 જૂન એટલે કે આજે રાજ્યના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગરહવેલીમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે.