ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

રાજ્યના 88 તાલુકામાં મેઘમહેર, કાચા સોના જેવો 4 ઇંચ સુધી વરસાદ

11:54 AM Jul 01, 2025 IST | Bhumika
Advertisement

વ્યારા-4, કાલાવડ-રાણાવાવ-3, દ્વારકા-ખંભાળિયા-મોટી પાનેલી-2, ગોંડલમાં 1॥ ઇંચ વરસ્યો, ખેડૂતોમાં ખુશીનો માહોલ

Advertisement

ગુજરાતમાં છેલ્લા એક સપ્તાથી વરસી રહેલા મેઘરાજાએ ગઇકાલે વધુ 88 તાલુકાઓમાં 0॥ થી 4ઇંચ જેટલો કાચુ સોનુ વરસાવી દેતા ઉભા પાકને ફાયદો થયો છે. જેના લીધે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ગઇકાલે તાપી જિલ્લાના વ્યારા પંથકમાં 4 તેમજ સૌરાષ્ટ્રમાં કાલાવડ-રાણાવાવ-3, દ્વારકા-ખંભાળિયા-મોટી પાનેલી-2, ગોંડલમાં 1॥ ઇંચ વરસાદ વરસતા અનેક જળાશયોમાં નવા નીરની આવક થઇ છે. હજુ પણ આગાહીના પગલે આગામી દિવસોમાં વધુ વરસાદ વરસવાની સંભાવના જોવાઇ રહી છે.

સૌરાષ્ટ્રમાં ગઇકાલે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સોમવારે પણ આખો દિવસ જુદા જુદા વિસ્તારોમાં અવિરત રીતે વરસાદના હળવા તથા ભારે ઝાપટાનો દૌર જારી રહ્યો હતો. જેમાં છેલ્લા 24 કલાક દરમિયાન સૌથી વધુ દ્વારકા તાલુકામાં 54 મી.મી., ખંભાળિયા તાલુકામાં 46 મી.મી., ભાણવડ તાલુકામાં 45 મી.મી. અને કલ્યાણપુર તાલુકામાં 16 મી.મી. પાણી વરસી જવા પામ્યું છે. આજે સવારે 8 વાગ્યા સુધીમાં સુધીમાં કલ્યાણપુર તાલુકામાં કુલ સાડા 13 ઈંચ (339 મી.મી.), દ્વારકામાં સવા 10 ઈંચ (254 મી.મી.), ખંભાળિયામાં 8 ઈંચ (199 મી.મી.) અને ભાણવડમાં સાડા 7 ઈંચ (186 મી.મી.) સાથે જિલ્લામાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 19 ઈંચ જેટલો (245 મી.મી.) નોંધાઈ ચૂક્યો છે.

ગોંડલ શહેરમાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. દિવસ દરમ્યાન હળવાથી ભારે વરસાદી ઝાપટા વરસતા દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો. બપોર બાદ સતત ધીમીધારે વરસાદ વરસતા શહેરના રાજમાર્ગો પર વરસાદી પાણી વહેતા થયા હતા. દિવસભર વરસાદી માહોલને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા હતા.

રઉપલેટામાં છેલ્લા પાંચેક દિવસથી ચોમાસાની સિઝન સક્રિય થયેલ છે રોજના માટે સવારથી સાંજ સુધીમાં એક થી દોઢ ઇંચ વરસાદ વરસી રહ્યો છે જ્યારે દિવસ દરમિયાન વાદળ છાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ બંધાયેલો રહે છે.

આવી જ રીતે આજે બપોર દરમિયાન લગભગ બે કલાકની અંદર દોઢ ઇંચ વરસાદ ઉપલેટા શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં થયેલ હોવાના સમાચાર મળી રહ્યા છે વરસાદના પગલે લોકો એક તરફ વરસાદની મોજ માણી રહ્યા છે તો બીજી તરફ જનજીવન પર અસર પડી ધંધા રોજગાર ખોરવાઈ જતા બજારની અંદર મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે.ઉપલેટા તાલુકાના મોટી પાનેલી તેમજ આજુબાજુ ના ગામોમાં સતત વરસાદી વાતાવરણ માં છેલ્લા ત્રણ દિવસ થી ઝરમર ઝરમર વચ્ચે આજે બપોરે મેહુલો એકધારો સતત ચાર કલાક સુધી વરસી જતા સવાબે ઇંચ વરસાદ નોંધાયો હતો સતત ચાર કલાક સુધી એકદમ કાચા સોનાની મારફત વરસાદ સમયસર આવી જતા ખેડૂતોમાં ખુશીનો માહોલ સ્પષ્ટ જોવા મળેલ છે.

રાજ્યના અનેક વિસ્તારોમાં હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ વરસાદની આગાહી તેમજ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદનું એલર્ટ અપાયું છે જેમને લઈને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે જગવિખ્યાત યાત્રાધામ વિરપુર પંથકમાં સવારથી જ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદનું ધીમીધારે આગમન થયું હતુ, ત્યારબાદ સાંજના સુમારે મેઘરાજા સારી રીતે વરસ્યા હતા જેમને લઈને વીરપુરના સિમ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.

વિલિંગ્ડન ડેમ સતત બીજીવાર ઓવરફ્લો
જૂનાગઢમાં ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. ગિરનાર પર ધોધમાર વરસાદના કારણે દામોદર કુંડમાં પાણીની આવક થઈ છે.જૂનાગઢમાં વિલિંગ્ડન ડેમ ઓવરફ્લો થયો છે. ભારે વરસાદથી ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે. વિલિંગ્ડન ડેમ સિઝનમાં સતત બીજીવાર ડેમ ઓવરફ્લો થયો છે. સાથે જ સોનરખ નદીમાં પણ પૂર આવ્યું છે. જૂનાગઢ જિલ્લામાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે.સતત વરસાદને પગલે જનજીવન પ્રભાવિત થયું છે.

આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી
રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદ રહેવાની શક્યતા છે. હાલ દક્ષિણ ગુજરાતમાં અપર એર સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાને કારણે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે 2થી 3 જુલાઈ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે.હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

Tags :
gujaratgujarat newsMonsoonrain fallrain news
Advertisement
Next Article
Advertisement