રાજ્યમાં મેઘ મહેર યથાવત: છેલ્લા 24 કલાકમાં 170 તાલુકામાં વરસાદ, આજે બે જિલ્લામાં રેડ એલર્ટ
રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યના 170 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ 13.6 ઇંચ વરસાદ સુરત શહેરમાં ખાબક્યો છે. કામરેજમાં 10.6 ઈંચ, પલસાણામાં 8.1 ઈંચ વરસાદ વરસ્યો. બારડોલીમાં 24 કલાકમાં 6.5 ઈંચ, 33 તાલુકામાં 2 ઈંચથી વધુ, 72 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.
છેલ્લા 24 કલાકમાં આણંદના બોરસદમાં 5.2 ઇંચ, સુરતના ઓલપાડમાં 5.0 ઇંચ, સુરતના ચોરાસીમાં 4.3 ઇંચ, તાપીના વ્યારામાં 3.7 ઇંચ, સુરતના માંડવીમાં 3.5 ઇંચ, નવસારી શહેરમાં 3.3 ઇંચ, સુરતના માંગરોળમાં 3.1, આણંદના ખંભાતમાં 3.1 ઇંચ, ભરૂચ શહેર અને પંચમહાલના હાલોલમાં 3.0 ઇંચ વરસાદ ખાબક્યો છે.
આ ઉપરાંત રાજ્યના 57 તાલુકામાં એક ઇંચથી ત્રણ ઇંચ જ્યારે 95 તાલુકામાં એક ઇંચ કરતાં ઓછો વરસાદ વરસ્યો છે. આમ, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 170 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગે આજે (24 જૂન) બે જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. આગામી ત્રણ કલાક એટલે કે બપોરે 1 વાગ્યા સુઘી દક્ષિણ ગુજરાતના બે જિલ્લામાં અતિભારે વરસાદ વરસશે. 1 વાગ્યા સુધી ભરૂચ અને સુરતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.