રાજ્યના 213 તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ
છેલ્લા 24 કલાકમાં મહેસાણા 7॥, પ્રાંતિજ 6॥, વીસનગર, હાંસોટ, વિજાપુરમાં 6 ઈંચ વરસાદથી જળબંબાકાર: સૌરાષ્ટ્ર-કચ્છમાં હળવદ, રાજકોટ, જેતપુર, રાપર, ભચાઉમાં 0॥થી 1 ઈંચ વરસ્યો
હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહીના પગલે ગઈકાલે સવારથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ જતાં રાજ્યના 213 તાલુકામાં સચરાચર વરસાદ વરસ્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. 24 કલાક દરમિયાન મહેસાણા જિલ્લામાં 7॥ ઈંચ, પ્રાંતીજ 6॥ તેમજ વીસનગર, હાંસોટી, વિજાપુરમાં 6 ઈંચ અને સૌરાષ્ટ્ર-કચ્છના હળવદ, રાજકોટ, જેતપુર ભચાઉમાં અડધાથી 1 ઈંચ તેમજ અન્ય વિસ્તારોમાં હળવાભારે ઝાપટાઓ વરસ્યા હતાં.
રાજ્યના 213 તાલુકામાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં અડધાથી 7॥ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો છે. ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ મહેસાણા જિલ્લામાં 7॥ ઈંચ, પ્રાતીંજ પંથકમાં 6॥ ઈંચ તેમજ વીસનગર હાસોટ વિજાપુરમાં 6 ઈંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના પગલે અનેક સ્ટેટ હાઈવે તેમજ ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે. ખેતરોમાં પાણી ભરાઈ જતાં ઉભાપાકને વ્યાપક નુક્શાનીની ભીતી સેવાઈ રહી છે. હવામાન વિભાગની આગાહીના પગલે સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ અડધાથી 1 ઈંચ જેટલો વરસાદ પડી ગયો હતો. ગઈકાલે સાંજથી સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારે ઝાપટાઓ વરસતા રાજકોટ, હળવદ, જેતપુરમાં એક ઈંચ તેમજ ભચાઉ અને કચ્છના અન્ય વિસ્તારોમાં અડધા ઈંચ જેટલો વરસાદ વરસી ગયો છે.
તેવી જ રીતે સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં રાતભર ઝાપટા સ્વરૂપે વરસાદ વરસ્યાના અહેવાલ પ્રાપ્ત થયા છે. હવામાન વિભાગે બે દિવસ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે. ગઈકાલે 7॥ ઈંચ જેટલો ભારે વરસાદ વરસ્યા બાદ આજે સવારથી ગુજરાત ઉપર વાદળોની ભારે જમાવટ હોવાથી સાંજ સુધીમાં વધુ વરસાદ વરસવાની શક્યતા જોવાઈ રહી છે. વરસાદના નવા રાઉન્ડમાં કોરા રહી ગયેલા ઉત્તર ગુજરાત ઉપર મેઘરાજાએ અમિદ્રષ્ટી વરસાવી હોય તેમ બે ઈંચથી સાત ઈંચ જેટલો વરસાદ વરસી ગયો છે. જ્યારે સૌરાષ્ટ્રને તરબતર કર્યા બાદ મેઘરાજાએ ફરી મંડાણ કર્યા છે અને કચ્છ તેમજ રાજકોટ અને મોરબી જિલ્લાના અડધાથી એક ઈંચ જેટલો વરસાદ વરસાવી દીધો છે. તેમજ આજે પણ સવારથી સૌરાષ્ટ્ર-કચ્છના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યાના અહેવાલ પ્રાપ્ત થયા છે.
13 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં સાયક્લોનિક સર્ક્યુલેશન,શિયરઝોન સક્રિય થયુ છે. તેથી ઑફશોર ટ્રફ સક્રિય થતા રાજ્યમાં વરસાદ રહેશે. તેમજ ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમાં પોરબંદર, દ્વારકામાં અતિભારે વરસાદની આગાહી સાથે કચ્છ, અમદાવાદમાં અતિભારે વરસાદની આગાહી છે. મોરબી, જામનગર, જુનાગઢ તથા ગીર સોમનાથ, નવસારી અને વલસાડ, દમણ, પાટણ તેમજ દાદરા નગર હવેલી તથા બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી છે. તેમજ અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગરમાં વરસાદની આગાહી સાથે રાજકોટ, બોટાદ, મહેસાણામાં વરસાદની આગાહી છે. ખેડા, સુરત, ભરૂૂચ, તાપી અને ડાંગ, દાહોદ સહિતમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરાઇ છે. રાજ્યમાં આજે સાર્વત્રિક વરસાદ સાથે કચ્છ, દ્વારકા પોરબંદર, અમદાવાદ સહીત અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ છે. તેમજ મોરબી, જામનગર, જુનાગઢ, ગીર સોમનાથ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, બનાસકાંઠા, પાટણ, સાબારકાંઠામાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરાઇ છે.