ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કાલે મેગા લોક અદાલત: 36710 જેટલા કેસો હાથ પર લેવાશે
ગુજરાત હાઈકોર્ટ, રાજ્ય અને રાજકોટ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા આવતીકાલ તા. 12 જૂનના રોજ રાજકોટ શહેર અને જિલ્લાના તાલુકા મથકો ખાતેની તમામ કોર્ટમાં મેગા લોક-અદાલતમાં જુદા જુદા ક્ષેત્રના અંદાજે 36710 કેસો સમાધાન માટે વિચારણા હેઠળ લેવામાં આવનાર છે.
આ લોક-અદાલતમાં જુદા જુદા ક્ષેત્રો જેવા કે ફોજદારી સમાધાન લાયક કેસો, નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એકટની કલમ-138 (ચેક રિટર્ન અંગેના કેસો) હેઠળના કેસો, બેન્ક લેણાના કેસો, મોટર અકસ્માત વળતરને લગતા કેસો, લગ્નવિષયક કેસો, મજુર અદાલતના કેસો, જમીન સંપાદનને લગતા કેસો, ઈલેક્ટ્રીસિટી તથા પાણીના બિલોને લગતા કેસો, રેવન્યુ કેસો, દિવાની પ્રકારના (ભાડા, સુખાધિકારના) કેસો, મનાઈ હુકમના દાવા, કરાર પાલનના દાવા, અન્ય સમાધાન લાયક કોર્ટમાં દાખલ થયેલ તથા દાખલ થાય તે પહેલાં (પ્રિલિટિગેશન)ના મળીને 36710 કેસો હાથ પર લઇને પક્ષકારો અને વકીલો વચ્ચે વાટાઘાટ કરીને સમાધાનના પ્રયાસો કરવામાં આવશે.
રાજકોટ જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના ચેરમેન, મુખ્ય જિલ્લા ન્યાયાધીશ જે. આર. શાહ દ્વારા તમામ પક્ષકારોને અનુરોધ કરવામાં આવેલ છે કે, લોક-અદાલતમાં તેઓના કેસ મુકી નિર્ણિત કરવામાં આવે તો બન્ને પક્ષકારોને લાભકર્તા છે. પક્ષકારોની સમજણ તથા સમજુતીથી કેસનો નિકાલ થયેલ હોય અપીલ થતી નથી, જેથી ભવિષ્યના વિવાદથી પણ પક્ષકારોને છુટકારો મળે છે. જેથી આવતીકાલ તા. 12/7/2025ના રોજ યોજાનાર લોક-અદાલતમાં તમામ પક્ષકારોને સક્રીય ભાગ લેવા તથા જે પક્ષકારો પોતાનો કેસ આગામી લોક-અદાલતમાં મુકવા માંગતા હોય, તેઓ તેઓના વકીલ મારફતે અથવા તો સીધા જે તે કોર્ટનો સંપર્ક કરી અથવા રાજકોટ જિલ્લા કાનૂની સેવા સતા મંડળ તથા તાલુકા કાનૂની સેવા સમિતિનો સંપર્ક કરી પોતાના કેસો લોક-અદાલતમાં મુકવા કાર્યવાહી હાથ ધરી શકે છે.