વેરાવળમાં 45 ગેરકાયદે મકાનોનું મેગા ડિમોલિશન
વેરાવળની શાહીગરા કોલોનીમાં સરકારી જગ્યા ઉપર ગેરકાયદેસર રીતે બની ગયેલા 45 પાકા મકાનો ઉપર નગરપાલીકા તંત્રનું બુલડોઝર ફરી વળ્યુ છે. આ ડીમોલેશનની કામગીરી અંતર્ગત 3.5 કરોડની 3584 ચો.મી. (10 હજાર ગજ) જેવી સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી છે. આ મેગા ડીમોલીશની કામગીરી નગરપાલીકાએ નિર્ધારિત આયોજન મુજબ પુર્ણ કરી છે. આ અંગે નગરપાલિકાના અધિકારી જેઠાભાઈ સોલંકીએ જણાવેલ કે, વેરાવળના વોર્ડ નં.6 માં શાહીગરા કોલોનીમાં મહેક સ્કુલની બાજુમાં રેલ્વેની દિવાલને અડીને આવેલ પડતર સરકારી જમીન ઉપરથી નિકળતા વરસાદી પાણીના વેણમાં 45 જેટલા પાકા મકાનો ગેરકાયદેસર રીતે બની ગયેલ જેને દુર કરવા માટે મામલતદાર દ્વારા સ્થળ મુલાકાત કરીને કબ્જા ધારકોને અઠવાડીયામાં મકાનો હટાવવા સુચના આપેલ તેમ છતાં કોઈએ હટાવ્યા ન હતા.
જેથી ડીમોલેશન કરવાનું પાલીકાએ આયોજન કરેલ જે મુજબ આજે સવારે નગરપાલીકાનો સ્ટાફ 6 જેસીબી અને 22 ટ્રેક્ટરો સાથે દબાણો હટાવવા પહોચી ગયો હતો. જ્યાં સરકારી જમીનમાં ગેરકાયદેસર બની ગયેલા બાંધકામો ઉપર નગરપાલીકાના બુલડોઝરો ફરી વળ્યા હતા. આ કામગીરીમાં 45 જેટલા પાકા મકાનો દુર કરીને 3584 ચો.મી.(10 હજાર ગજ) સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી છે. આ જમીનની બજાર કિંમત રૂૂ.3.5 કરોડ જેવી થાય છે. આ ડીમોલેશનની કામગીરી સમયે સરકારી ખર્ચે પોલીસ બંદોબસ્ત ફાળવવા તા.19 ડીસે. ના રોજ પોલીસવડાને પત્ર લખીને માંગણી કરી હતી. તેના બીજા દિવસે પોલીસને તમામ પ્રકારની બાંહેધરી પણ આપવામાં આવી હતી. તેમ છતાં ડીમોલેશનના અંતિમ સમયે સીટી પોલીસે બંદોબસ્ત ફાળવવાની ના પાડી દીધી હતી. જે જવાબ અમારા માટે પણ અચરજ સમાન હતો. જો કે, પોલીસના રક્ષણ વગર પણ નગરપાલીકાએ આયોજન મુજબ ડીમોલેશનની કામગીરી હાથ ધરી હતી.