કંડલામાં મેગા ડિમોલિશનથી 5000થી વધુ શ્રમિક પરિવાર બેઘર
25 જેસીબી, 12 હાઇડ્રા, 200 ટ્રક-ડમ્પરથી 200 એકર જગ્યા ખાલી કરાવાઇ
દેશ વિદેશમાં જાણીતા અને નામના ધરાવતા કંડલા પોર્ટ આસપાસ દીનદયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા આજરોજ દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. કચ્છના સૌથી મોટા ડિમોલેશનમાં 600 થી વધુ દબાણો દુર કરાયા હતા. આ દબાણો દુર થતાં અંદાજીત 400 કરોડની જમીન દબાણ મુક્ત થઈ છે. નવા કંડલાના બન્ના વિસ્તાર ઉપરાંત જૂના કંડલાના ઇફકો ઝૂંપડા તરીકે ઓળખાતા વિસ્તારમાં અઢી કિલોમીટરમાં પથરાયેલા દબાણો દૂર થયા બાદ પાંચ હજારથી વધુ શ્રમિક પરિવાર બેઘર બન્યા છે. દબાણ હટાવવાની કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તેમજ એસ.આર.પી.નો કાફલો તૈનાત રાખવામાં આવ્યો હતો. દબાણકારોને વખતોવખત નોટીસો પાઠવાઈ હતી તેમ છતાં નોટીસોની અવગણના કરાતા આજે વહેલી પરોઢે દીન દયાળ પોર્ટ ઓથોરીટી દ્વારા બુલડોઝર સહિતના સાધનો સાથે દબાણો દુર કરવાની કામગીરી કરાતા ફફડાટ મચી ગયો હતો. સમુદ્ર ખાડીને સમાંતર કોસ્ટલ લેન પર અંદાજે 200 એકર જમીન પર પોર્ટ પ્રશાસન દ્વારા 600 જેટલા ઝુંપડા હટાવાયા હતા.
ચાર પાંચ દાયકાથી 200 એકર જમીનમાં આ દબાણ પથરાયેલું હતું. દબાણ હટાવવાની કામગીરીમાં પોર્ટ પ્રશાસન ઉપરાંત સીઆઈએસએફના 200 કર્મચારીઓ અને સાડા પાંચસો જેટલા પોલીસ કર્મચારીઓ, પચ્ચીસેક જેસીબી, બાર જેટલા હિટાચી હાઈડ્રા મશીન, કાટમાળ હટાવવા 200 જેટલી ટ્રકો અને ડમ્પરોની મદદ લેવાઈ હતી.
આ અંગે મળતી માહિતી મુજબ લગભગ 50 વર્ષથી પણ વધુ સમયથી માછીમારી કરતાં લોકો કંડલામાં વસવાટ કરે છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારમાં ગુનાખોરી વધી હતી. તંત્રના જણાવ્યા મુજબ પોર્ટ સુરક્ષા, રાષ્ટ્રીય સુરક્ષા અને અને કોસ્ટલ સુરક્ષાને ધ્યાનમાં રાખી આ કામગીરી કરવામાં આવી હતી. આમ તો વર્ષોથી દબાણ હટાવવા માટે નોટિસો, બેઠકોનો દોર ચળેલો છે. પરંતુ છેલ્લા 6-8 મહિનાથી આ કામગીરી વધુ સખત બનાવવામાં આવી હતી. જેમાં સ્થાનિકોને સ્વેચ્છાએ દબાણ હટાવવા નોટિસ આપવામાં આવી હોવા છતાં દબાણ હટાવવામાં ન આવતા 3 દિવસ પહેલા આખરી નોટિસ આપવામાં આવી હતી અને બુધવારે બાળકો, વૃદ્ધો અને મહિલાઓ સલામત સ્થળે ખસી જાઓ તેવી એનાઉન્સમેન્ટ પણ કરવામાં આવી હતી.
છતા દબાણકારો ન હટતા ગુરુવારે સવારે 5 વાગ્યે બુલડોઝરનો મોટો કાફલો લઈ દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં કાચા બાંધકામ અને ઝોપડીઓ મળી કુલ 600 થી વધુ દબાણો દૂર કરવામાં આવ્યા હતા. નવા કંડલાના બન્ના વિસ્તાર ઉપરાંત જૂના કંડલાના ઇફકો ઝૂંપડા તરીકે ઓળખાતા વિસ્તારમાં આ કામગીરી કરાઇ હતી. આ બંને વિસ્તારોમાં મળી કુલ 600થી વધુ દબાણ હટાવવામાં આવ્યા હોવાનો દાવો કરાયો હતો.
આ અંગે ડીપીએ દ્વારા વિગતો આપતા જણાવાયું હતું કે, અઢી કિલોમીટરના વિસ્તારમાં આ કામગીરી કરવામાં આવી છે. જેમાં લગભગ તમામ દબાણો ખાલી કરાવી નાખવામાં આવતા અંદાજિત 400 કરોડના કિમતની જમીન દબાણમુક્ત કરાવી નાખવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં મોટા ભાગે દબાણ હોવાથી અહી શું વિકાસકામ કરવો તે ખુદ તંત્રએ જ નક્કી કર્યું ન હતું. હવે આ વિસ્તાર દબાણમુક્ત કરાયો છે. ત્યારે આગામી સમયમાં અહી વિકાસકામો કરાશે તેવી ચર્ચાઓ પણ સાંભળવા મળી હતી.
100 વર્ષથી વધુ સમયથી વસાહત હતી
સ્થાનિકોના જણાવ્યા મુજબ પોર્ટને 60 વર્ષ થયા પણ સ્થાનિકો અહી 100 વર્ષથી પણ વધુ સમયથી અહી વસવાટ કરે છે. અત્યારે જ્યાં પોર્ટ છે ત્યાં સ્થાનિકો રહેતા હતા પરંતુ ત્યાં પોર્ટ બનાવવાની વાત આવતા ત્યાંથી ખસી જીરો પોઈન્ટ પાસે રહેવા આવ્યા હતા ત્યાં પણ વિકાસ કામ કરતાં અંદાજિત 50 વષથી હાલના બન્ના વિસ્તારમાં લોકો રહેવા આવ્યા હતા. ખારીરોહર અને તુણામાં અહીથી જ લોકો ગયા છે અને વસવાટ કરી માછીમારી કરે છે. સ્થાનિક લોકો અહીના જ છે છતાં તેમને ઉધોગપતિઓના ઇશારે બળજબરીથી ટાર્ગેટ કરી હટાવવામાં આવ્યા હોવાના આક્ષેપો કરી સ્થાનિકોએ તેમના માટે કોઈપણ પ્રકારની તંત્રએ વૈકલ્પિક વ્યવસ્થા ન કરી હોવાના આક્ષેપો પણ કર્યા હતા. સવારથી ભૂખ્યા બેઠા હોવા છતાં પરિવાર વચ્ચે એક માત્ર બિસ્કિટનો પેકેટ અપાયો હોવાની વાત પણ સ્થાનિકોએ કરી હતી.
ભર ચોમાસે કાર્યવાહી કરતાં પોર્ટ ઓથોરિટી સામે રોષ
આ અંગે રોશનઅલી સેંધાણીના જણાવ્યા અનુસાર ગત 22-8ના રોજ ડીપીએ ના દબાણ શાખા દ્વારા સ્થાનિકે આવી એક દીવાલ પર નોટિસ ચીપકાવી દબાણ હટાવવાની વાત રખાઇ હતી. 8-10 મહિના પહેલા ગટર અને પેટ્રોલિયમ પાઇપ ઢાંકઈ જતી હોવાથી 15-20 દુકાનો હટાવવાની વાત હતી. જે બાદ અચાનક 100 જેટલા દબાણો હટાવવા પડશે તેવી મૌખિક વાત કરાઇ હતી. અને 22-8ના નોટિસ ચિપકાવવામાં આવતા સ્થાનિકો ડીપીએ ના ચેરમેનને મળવા ગયા હતા અને દબાણ હટાવવાની કામગીરી વરસાદી સિઝન બાદ કરવામાં આવે તેવી રજૂઆત કરાઇ હતી. જેથી ચેરમેને ખાતરી પણ આપી હતી. છતાં સ્થાનિકો સાથે વિશ્વાસઘાત કરી અચાનક તંત્ર દબાણ હટાવવા તૂટી પડયું હતું.