જેતપુર પાલિકામાં પ્રમુખપદે મીનાબેન ઉસદડિયાની વરણી
ગુજરાતમાં 18 ફેબ્રુઆરીએ જૂનાગઢ મહાનગર પાલિકા અને 68 નગરપાલિકાની ચૂંટણી યોજાયા બાદ આજે પ્રમુખ અને મેયરના નામની જાહેરાત કરવામાં આવી છે. ગઈકાલે એટલે કે, 4 માર્ચે ગાંધીનગર ખાતે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાઈ હતી. જૂનાગઢના નવા મેયર, ડેપ્યુટી મેયર તેમજ 68 નગરપાલિકાઓના નવા પ્રમુખોની વરણી કરવામાં આવી છે. જયેશ રાદડીયાના ગઢ જેતપુરમાં પ્રમુખ - ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે.
રાજકોટ જીલ્લાના જેતપુર નવાગઢ નગર પાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ પદ માટે ચૂંટણી યોજાઈ હતી. નવાગઢ નગર પાલિકાના પ્રમુખ તરીકે ભાજપમાંથી ચૂંટાયેલ મીનાબેન ઉસદડિયાની વરણી કરવામાં આવી છે.
જયારે ઉપપ્રમુખ તરીકે સ્વાતિબેન સંજયભાઈ જોટંગીયાની વરણી કરવામાં આવી છે. નવા ચૂંટાયેલા પ્રમુખ અને ઉપપ્રમુખે જેતપુર નવાગઢના વિકાસના કામોને વધુ વેગવંતા બનાવવાની ખાતરી આપી છે. નવા ચૂંટાયેલા પ્રમુખ અને ઉપપ્રમુખને જયેશ રાદડિયાએ શુભેચ્છાઓ પાઠવી હતી. અને જીતનું સરઘસ પણ કાઢવામાં આવ્યું હતું.