દ્વારકામાં ગાંજા સાથે ઝડપાયેલ આરોપીને 11 વર્ષની સખત કેદ-દંડ
દ્વારકામાં રાણેશ્વર વિસ્તારમાં રહેતા બાલુ રાજા ખાવડીયાએ પોતાના કબજાના રહેણાંક મકાનના ફળિયામાં માદક પદાર્થ ગાંજાના છોડનું વાવેતર કરી અને તેનો આર્થિક લાભ લેવા માટે વેચાણ કરવા સુકવણી કરી હતી. આ દરમિયાન ગત તારીખ 8 જૂન 2021 ના રોજ પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં આરોપીના મકાનના ફળિયામાંથી સુકાવેલા ગાંજાના 43 છોડ અને સુકાવેલો ગાંજો મળી આવ્યો હતો.આશરે 62.49 કિલોગ્રામ વજનના આ ગાંજાની કિંમત રૂૂપિયા 6,20,490 જાહેર કરવામાં આવી હતી. જેને અનુલક્ષીને જે-તે સમયે દ્વારકા પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ એન.ડી.પી.એસ.ની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
આ અંગેનો કેસ ખંભાળિયાના એડિશનલ સેશન્સ અને સ્પેશિયલ એન.ડી.પી.એસ. કોર્ટના જજ શ્રી એસ.જી મનસુરીની કોર્ટમાં ચાલી જતા આ પ્રકરણમાં મહત્વના સાક્ષીઓની કરવામાં આવેલી તપાસ તેમજ કબજે કરવામાં આવેલા મુદ્દામાલ સાથે મદદનીશ જિલ્લા સરકારી વકીલ ભગીરથસિંહ એસ. જાડેજા દ્વારા કરવામાં આવેલી દલીલોને ધ્યાનમાં લઇ, અને અદાલતે આરોપી બાલુ રાજા ખાવડીયાને તકસીરવાન ઠેરવ્યો હતો.આ કેસમાં આરોપીને 11 વર્ષની સખત કેદ તથા રૂૂ. એક લાખનો દંડ અને જો દંડ ન ભરે તો વધુ એક વર્ષની સાદી કેદની સજા ફટકારતો હુકમ કર્યો હતો.
