લોકમેળામાં યાંત્રિકના પ્લોટ ફૂલ, ખાણીપીણી-રમકડાના 192 સ્ટોલ ખાલી
યાંત્રિકનાં 34 પ્લોટ સામે 69, ખાણીપીણીના 46 સામે માત્ર 10, આઇસ્ક્રીમના 16 ચોકઠા સામે 7 ફોર્મ ભરાયા
રમકડાના 10 ટકા સ્ટોલ પણ વેંચાયા નહીં, મધ્યમ ચકરડીના 3 પ્લોટ સામે 42 ખરીદનાર, નાની ચકરડીમાં પણ 12 પ્લોટ સામે 38 દાવેદાર
રાજકોટમાં આગામી જન્માષ્ટમીના તહેવારો દરમિયાન યોજાનાર લોકમેળામાં હજુ પણ અવઢવ ચાલી રહી છે. અગાઉ કડક નિયમોના કારણે મેળાનો બહિષ્કાર કરનાર ચકડોળ સહીતની યાંત્રીક રાઇડસના સંચાલકો હવે રાજી થઇ ગયા છે અને યાંત્રીક રાઇડસના 34 પ્લોટ સામે 69 ફોર્મ ભરાઇ ગયા છે. બીજી તરફ આ વર્ષે રમકડા અને ખાણીપીણીના 193 જેટલા સ્ટોલ્સ ખાલી રહેતા તંત્ર મુંજવણમાં મુકાઇ ગયું છે. જે સ્ટોલનું હરરાજીથી વેંચાણ થનાર છે તેમાં ખાણીપીણીના 46 સ્ટોલ સામે માત્ર 10, આઇસ્ક્રીમના 16 પ્લોટ સામે સાત અને ચાના એક સ્ટોલ સામે એક ફોર્મ ભરાયેલ છે.
જયારે ડ્રોની કેટેગરીવાળા રમકડાના 120 સ્ટોલ સામે માત્ર 15 ફોર્મ ભરાયા છે. તો ખાણીપીણીના 6 પ્લોટ સામે 11 ફોર્મ ભરાયા છે. મધ્યમ ચકરડીના માત્ર 3 પ્લોટ સામે 42 તથા નાની ચકરડીના 12 પ્લોટ સામે 38 ફોર્મ ભરાયા છે.
રાજકોટનો પ્રસિદ્ધ લોકમેળો આ વર્ષે શરૂૂઆતથી જ વિવાદોમાં ઘેરાયેલો છે. લોકમેળામાં રાઈડ્સ માટેના નિયમોમાં કોઈ છૂટછાટ ન મળતા ખાનગી રાઈડ્સ સંચાલકો વિરોધ કરી રહ્યા છે, જ્યારે બીજી તરફ ખાણી-પીણી અને રમકડાં સહિતના સ્ટોલની હરાજીમાં પણ ધાર્યા કરતાં ઓછી અરજીઓ મળી છે, જેના કારણે તંત્ર પણ મૂંઝવણમાં મુકાયું છે.
પ્લોટ-સ્ટોલની સંખ્યા સામે ઓછા ફોર્મ ભરાતા હરાજી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થઈ હતી. આ હરાજીમાં સિટી પ્રાંત અધિકારી ચાંદની પરમાર, પશ્ચિમ મામલતદાર અજીત જોશી અને નાયબ મામલતદારો સહિતની ટીમ જોડાઈ હતી.
બીજી તરફ રાઈડ્સ સંચાલકો દ્વારા નિયમોમાં બાંધછોડ ન કરવાના મુદ્દે વિરોધ ચાલુ છે. જોકે, આ વિરોધ વચ્ચે પણ આવતીકાલે રાઈડ્સના 33 પ્લોટ માટે હરાજી થવાની છે. મહત્વની વાત એ છે કે, આ 33 પ્લોટ સામે 40થી વધુ ફોર્મ જમા થયા છે. રાઈડ્સ સંચાલકોના આ વિરોધને કારણે અન્ય સ્ટોલ ધારકોએ પણ ફોર્મ ભરવામાં નિરુત્સાહ દાખવ્યો હોવાનું માનવામાં આવે છે. આ સમગ્ર પરિસ્થિતિને કારણે આ વખતે મેળાનું સંચાલન કરતા તંત્ર માટે પડકારો ઊભા થયા છે.
હવે ખાનગી મેળાવાળા ‘ચકડોળે’ ચડ્યા, માંચડા ઉતારવા પડે તેવી સ્થિતિ
રાજકોટમાં વહિવટીતંત્ર આયોજીત લોકમેળામાં યાંત્રીક રાઇડસનો વિવાદ થાળે પડી જતા તમામ પ્લોટ વેંચાઇ ગયા છે. જયારે ખાનગી મેળાના ધંધાર્થીઓની સરકારની એસ.ઓ.પી.ના કારણે ટીંગાટોળી થઇ છે. ખાનગી મેળાઓના મેદાનની સ્થિતિની તંત્રને પુરતી ખબર ન હોવાથી ગાઇડ લાઇનમાં કોઇપણ બાંધછોડ નહીં કરવા તંત્ર મક્કમ હોવાથી ખાનગી લોકમેળાવાળાના ઉભા કરી દેવાયેલા માચડા ઉતારવા પડે તેવી સ્થિતિ છે. ખાનગી મેળાઓમાં રાઇડસ માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા એસઓપી મુજબ જ એન.ઓ.સી. આપવાનું મક્કમ વલણ અપનાવાના હવે ખાનગી લોકમેળાવાળા ‘ચકડોળે’ ચડી ગયા છે.