વિસાવદરના કાલસારી ગામે ગૌચરની માપણી અને દબાણો વિરૂધ્ધ કાર્યવાહી
જૂનાગઢ ના વિસાવદર તાલુકાના કાલસારી ગામે ગૌચરના સર્વે નંબરોની માપણી અને દબાણ દૂર કરવાની ખાસ ઝુંબેશ યોજાઈ હતી.જેમાં વહીવટી તંત્ર દ્વારા અંદાજિત સાડા ચાર કરોડથી વધુ કીમતની જમીન ખુલ્લી કરવામાં આવી છે.
વિસાવદર તાલુકાના કાલસારી ગામે ગૌચરના સર્વે નંબરોની માપણી અને દબાણો દૂર કરવાની ખાસ ઝુંબેશ તા.9/8/2023 થી, ત્યારબાદ તા.25/6/2024 થી તથા ફરીવાર તા.28/7/2025 થી એમ ત્રણેક વખત કરવામાં આવી હતી. જે દરમિયાન ગૌચરના કુલ-12 સરવે નંબરોની કુલ હે. 446-90-66 આરે.ચો.મી. જમીન પૈકી હે. 309-77-26 આરે.ચો.મી. જમીનની માપણી કરીને તેના હદ-નિશાન કરવામાં આવ્યાં અને કુલ હે.164-60-94 આરે.ચો.મી. જમીનના 60 થી વધુ દબાણો દૂર કરીને આશરે સાડા ચાર કરોડથી વધુ કીમતની જમીન ખુલ્લી કરવામાં આવી છે. આ દબાણો પૈકી મોટાભાગના ચોમાસાના સીઝનલ દબાણો હોય, તે હાલ બંધ કરાવવામાં આવ્યા છે. પથ્થર, વાડ, તાર-ફેન્સિંગ, ઝાંપા વિગેરે દૂર કરવામાં આવેલ છે, જ્યારે આંબાના વૃક્ષો પંચાયત હસ્તક લેવામાં આવેલ છે.
જ્યારે રે.સ.નં.257ની બાકી રહેતી આશરે 136 હેક્ટર જમીનની માપણી અને હદ-નિશાન કરવાની કામગીરી ચાલું છે, જેમાં કોઇ દબાણો મળી આવશે તો તેને પણ તાત્કાલિક દૂર કરવામાં આવશે. હાલ કાલસારી ગામનું હે.294-16-47 આરે.ચો.મી. કરતા વધુ ગૌચર ખુલ્લું છે, જે ગામના આશરે 1600 જેટલાં પશુઓ માટે પૂરતું છે અને હાલ ગામના પશુઓ ગૌચરની આ ખુલ્લી જમીનોમાં મુક્તપણે ચરતાં જોવા મળે છે. હાલ તંત્ર વહીવટી તંત્રને સહકાર આપવા જિલ્લા પંચાયત, જૂનાગઢની યાદીમાં જાહેર અપીલ કરવામાં આવી છે.