ચાલુ વરસાદે થતાં ડામર રોડના કામ તાત્કાલિક બંધ કરવા મેયરની સૂચના
રાજકોટના લક્ષ્મીનગર વિસ્તારમાં નબળા ડામર રોડના કામમાં લોટ પાણીને લાકડા જેવા કામનો ઘટસ્ફોટ થતાં મહાનગરપાલિકા દ્વારા સત્વરે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ અહેવાલની ગંભીર નોંધ લેતા રાજકોટના મેયર નયનાબેન પેઢડીયાએ આજે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ચાલુ વરસાદે થઈ રહેલા ડામરના કામો તાત્કાલિક બંધ કરવાના આદેશો આપ્યા છે. રાજકોટના રસ્તાઓ પર ઠેર-ઠેર જોવા મળતા ખાડા અને ડામરના નબળા કામને લઈને નાગરિકોમાં વ્યાપક રોષ જોવા મળી રહ્યો હતો.
આ મુદ્દે મેયર નયના પેઢડીયાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, વરસાદની સિઝનમાં ડામર કામ કરવું યોગ્ય નથી, તેને તાત્કાલિક અટકાવી દેવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. મેયરે ભારપૂર્વક જણાવ્યું કે, પાણી અને ડામરને ભળતું નથી, જે સૂચવે છે કે વરસાદી વાતાવરણમાં ડામર રોડ બનાવવાથી તેની ગુણવત્તા પર નકારાત્મક અસર પડે છે અને તે લાંબા સમય સુધી ટકતો નથી. વધુમાં મેયરે જણાવ્યું કે, જ્યાં ખાડા પડ્યા હોય ત્યાં અકસ્માત થવાની સંભાવના રહે છે અને નાગરિકોની સુરક્ષા તેમની પ્રાથમિકતા છે. તેમણે નબળા કામ અંગે અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવીને યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.