For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મંગલ હો આપનું નવું વરસ...ઝૂલે ખુશીઓના તોરણ વરસો વરસ

10:59 AM Jan 01, 2025 IST | Bhumika
મંગલ હો આપનું નવું વરસ   ઝૂલે ખુશીઓના તોરણ વરસો વરસ

આજથી નૂતન વર્ષનો પ્રારંભ થઈ ચૂક્યો છે. 2024ના વર્ષને અલવિદા કહીને 2025ના વર્ષમાં પહેલું ડગલું આપણે સહુએ માંડી દીધું છે ત્યારે જૂની યાદોને દાબડામાં બંધ કરીને નવી તાજી, માજી ક્ષણોને જીવવા માટે સજ્જ થઈએ. સમયનું ચક્ર ખૂબ ઝડપથી ફરે છે, 2024ના લીધેલા સંકલ્પો હજી પૂરા કરીએ ન કરીએ ત્યાં 2025ના વર્ષનું આગમન થઈ ગયું. સમયની ગતિ એટલી ઝડપથી ફરે છે કે જો તેની સાથે તાલ ન મિલાવીએ તો જીવનની અનેક ક્ષણો ચૂકાઈ જાય. છેલ્લા થોડા સમયથી સમગ્ર વિશ્વની બાહ્ય પરિસ્થિતિ પ્રતિકૂળ ભાસે છે ત્યારે તેની અસર દરેક વ્યક્તિની આંતરિક પરિસ્થિતિ પર પણ થાય છે. વર્તમાન સમયમાં મહિલાઓ પણ તેની કામગીરીમાં વ્યસ્ત હોય છે ત્યારે બાળકો અને પરિવારની જવાબદારી માટે ચિંતા થાય તે સહજ બાબત છે. બાળકનો શ્રેષ્ઠ ઉછેર,મોટા થતા જતા સંતાનોને જીવનની દરેક પરિસ્થિતિ માટે તૈયાર કરવા, યોગ્ય કેરિયર બનાવવી તે સાથે બાળકો સામાજિક સંબંધોમાં પણ જોડાય એવી અનેક જવાબદારી શિરે હોય છે. એ સાથે ખરાબ સંગત,મોબાઈલનો દુરુપયોગ,ટેકનોલોજીનો બેહિસાબ ઉપયોગ આવા અદ્શ્ય દુશ્મનોથી તો બાળકોને બચાવવાના જ હોય છે.આ બધા સાથે પોતાની જાત,પોતાનું કામ અને પોતાની આગવી ઓળખ બનાવવા માટે પણ તે પ્રયત્નશીલ હોય છે. આજે મહિલાઓ અનેક ક્ષેત્રે સફળતા મેળવીને પોતાનું નામ રોશન કરી રહી છે ત્યારે નવા વર્ષે ઉડાનમાં આવી જ સફળ મહિલાઓના નવા વર્ષના સંદેશ પ્રસ્તુત છે.

Advertisement

નવા વર્ષમાં પોતાની જાતને સન્માન આપો
કચ્છ એક્સપ્રેસ ફિલ્મમાં પોતાની અભિનય કલા દ્વારા રાષ્ટ્રીય એવોર્ડ મેળવનાર અને દરેક ગુજરાતી મહિલાને ગૌરવ અપાવનાર અભિનેત્રી માનસી પારેખે નવા વર્ષ માટે મહિલાઓને સકારાત્મક સંદેશ આપતા જણાવ્યું હતું કે, નવા વર્ષમાં અનેક સંકલ્પો કરવા સાથે એક સંકલ્પ એ પણ કરો કે પોતાની જાતને રિસ્પેક્ટ આપો. દરેક સ્ત્રીમાં ભગવાને એક શક્તિ મૂકેલ છે જેની ઓળખ ખુદ સ્ત્રીને જ હોતી નથી પરંતુ તે શક્તિને ઓળખો અને તેનો ઉપયોગ કરો પોતાની જાતને રિસ્પેક્ટ આપશો તો બીજા લોકો પણ રિસ્પેક્ટ આપશે.
-માનસી પારેખ

Advertisement

તમારી જ સરખામણીમાં તમે વધુ સારા બનવા પ્રયત્ન કરો
મહિલાઓને સતત પ્રેરણા આપતા નાટ્ય કલાકાર અને સામાજિક સંદેશ તથા જાગૃતિ વિષયક ટોક આપતા આર જે દેવકીએ નવા વર્ષ માટે જણાવ્યું હતું કે, દરેક મહિલાઓને 2025માં મારે એક ઘરકામ આપવું છે. તમારી આસપાસ એવા કેટલા લોકો છે જે તમને ઇન્સ્પાયર કરતા હોય.એમને જોઇને તમને તમે જે છો એનાથી વધુ તમારી પ્રતિભા ખીલવવાની ઈચ્છા થાય?જેનાથી તમે એક ઊંચું નવું નિશાન નક્કી કરી શકો જ્યાં સુધી પહોંચવાની તમને પ્રેરણા મળે? આપણે બહુ ઓછા આવા લોકોની આસપાસ રહીએ છીએ. મોટા ભાગે લોકો એવા હોય છે કે જે તમને તમારી મર્યાદા ગણાવતા હોય તેમજ તમારાથી આટલું જ થશે, આટલું બધું તો છે હવે ભાગવાની શું જરૂૂર છે જેવા વાક્યોથી અંડર અચિવ કરવા માટે પુશ કર્યા કરે આપણે એવા લોકોની જરૂૂર છે જે આપણને વધુ વિશાળ સપના જોવા માટે એક આકાશથી બીજા વિશાળ આકાશ સુધી પહોંચવા માટે પ્રેરે હું આશા રાખું છું કે 2025માં તમને એવા લોકો મળે જેનાથી તમારી આવતીકાલ આજ કરતાં વધુ સુંદર બને અને તમે સતત તમારી જ સરખામણીમાં તમે વધુ સારા બનવા પ્રયત્ન કરો.
-R. J. દેવકી

સોશિયલ મીડિયાનો ઉપયોગ સકારાત્મક સંદેશ માટે કરો

લગ્ન ગીતોની આપણી પરંપરાને જીવંત રાખનાર તેમજ અંબાણી પરિવારમાં લગ્ન ગીત ગાઈને પોતાની અલગ ઓળખ મેળવનાર સુરતના વૈશાલીબેન ગોહિલે મહિલાઓને સંદેશ આપતા જણાવ્યું હતું કે ,વીતેલા વર્ષ સાથે વીતી ગયેલી વાતોને પાછળ રહેવા દઈ આગળ વધો , જીવન સુંદર બનાવવું એ આપણા હાથ માં છે, પણ નારી સશક્તિકરણના નામ પર , પોતાની - પરિવાર પ્રત્યેની જવાબદારી અને ફરજ ભૂલી માત્ર કારકિર્દી પરત્વે આક્રમક વલણ અપનાવવું એ વ્યાજબી નથી.બીજી ખાસ વાત એ કે - સોશિયલ મીડિયાનો ઉપયોગ ઘરનાને પણ જોઈને શરમ લાગે એવી રીલો બનાવવા કરતા, રચનાત્મકતા તરફ વળો તો સારું , આવનારી પેઢી , તમારું જ જોઈને શીખતી હોય છે . એટલે નવી પેઢી સુધી શું પહોંચાડવું એ આપણા હાથમાં છે. 2024ના વર્ષને ખુશી ખુશી વિદાય આપવા સાથે નવા વર્ષને નવા સંકલ્પો અને સકારાત્મકતાથી આવકારીએ એ જ શુભેચ્છા
-વૈશાલી હરીન ગોહિલ

સંસ્કાર અને સંસ્કૃતિના જતન સાથે સંકલ્પ કરો
પોતાના સૂરો દ્વારા સોશિયલ મીડિયામાં આગવી ઓળખ મેળવનાર ભક્તિ બા જેઠવાએ નવા વર્ષ માટે સંદેશ આપતા જણાવ્યું હતું કે,ખૂબ ઝડપથી 2024નું વર્ષ પૂરું થઈ ગયું છે ત્યારે સમયની ગતિ ન્યારી છે તેનો અનુભવ આપણને થાય છે. મહિલાઓના શિરે અનેક જવાબદારી છે ત્યારે પોતાની ઓળખ, પોતાની મર્યાદા અને પોતાના સંસ્કાર તથા સંસ્કૃતિનું જતન કરતા કરતા નવા વર્ષમાં કામગીરી કરે તે જરૂૂરી છે.નવા વર્ષમાં નવા સંકલ્પો કરતી વખતે તમારા દિલની વાત સાંભળો,અંદરથી જે અવાજ આવે તે ભગવાનમાં શ્રદ્ધા રાખીને કરો. કર્મ કરીને ભગવાનને સોંપી દો તે તમારા માટે તમે ધાર્યું હશે તેના કરતાં શ્રેષ્ઠ કરશે. કોઈપણ સંજોગોમાં તમે તમારી જાત માટે એક ડગલું આગળ વધશો તો તમારા પરિવાર- સ્વજનો પણ તમારી સાથે રહેશે. હંમેશા તમારી જાત માટે પ્રમાણિક રહો અને અંદરનો અવાજ સાંભળતા રહો.
-ભક્તિ બા જેઠવા

Wrriten By; Bhavna Doshi

Advertisement
Tags :
Advertisement
Advertisement