દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખેડૂતોને માવઠાનો માર: જિલ્લા કલેક્ટરને આવેદન
દેવભૂમિ દ્વારકા જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં છેલ્લા ત્રણેક દિવસ દરમિયાન વરસેલા વરસાદે અનેક ખેડૂતોના સપના રોળી નાખ્યા હોવાનો સુર સંભળાઈ રહ્યો છે. ત્યારે માવઠાએ ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવી લીધો હોવાનું જણાવી, કિસાન અગ્રણી પાલભાઈ આંબલીયા દ્વારા સરકારની નીતિ બાબતે તીખી પ્રતિક્રિયાઓ વ્યક્ત કરવામાં આવી છે.
જિલ્લામાં વરસેલા ભારે વરસાદના કારણે ખેડૂતોની આખી વર્ષની મહેનત પર પાણી ફરી વળ્યું હોવાનું જણાવી, ખેડૂત આગેવાન પાલભાઈએ જણાવ્યું હતું કે અનેક સ્થળોએ આગોતરા - પાછોતરા બન્ને વાવેતર માટે માવઠું નુકશાનકારક સાબિત થયું છે. જેના કારણે મગફળી, કપાસ વિગેરે પાકોને ખૂબ મોટું નુકસાન થવા પામ્યું છે. આ અતિવૃષ્ટિમાં 80 ટકા જેટલા કપાસનો માવઠાએ સોથ વાળ્યો છે. મગફળીના પાથરા, કપાસના ફૂલ જીંડવા પર માવઠાની મોટી અસર થશે. ચોમાસાની શરૂૂઆતમાં પહેલા અતિવૃષ્ટિ બાદમાં માવઠાએ ખેડૂતોના ઘરમાં દિવાળીએ હોળી કરી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે સરકાર પણ માત્ર જાહેરાતો અને ઠાલા વચનો જ આપે છે. તા. 18 થી 24 જુલાઈમાં થયેલી અતિવૃષ્ટિ માટે 350 કરોડની જાહેરાત પછી પણ રાતી પાઇ મળી નથી. આ જ રીતે તા. 22 થી 30 ઓગસ્ટ અતિવૃષ્ટિનું સરવે કર્યું પણ સહાયની હજુ જાહેરાત કરાઈ નથી. જમીન ધોવાણનું તો સર્વે પણ થયું નથી. સરકારે ખેડૂતોને કાંઈ આપવું જ ન હોય તો સરવે અને સહાયની જાહેરાતો કરવાનું બંધ કરે તેમ પણ તેમણે જણાવ્યું હતું.