લાઇમ ટ્રી હોટલમાં ભીષણ આગથી અફરાતફરી
ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો, જાનહાનિ ટળી
જામનગરના પી.એન. માર્ગ પર આવેલી લાઇમ ટ્રી હોટલમાં થયેલી આગની ઘટનાએ સમગ્ર શહેરને સ્તબ્ધ કરી દીધું હતું. ડી.કે.વી. પાસે ધન્વંતરીની નજીક આવેલી આ હોટલમાં મોડી રાત્રે રૂૂમ નંબર 8 મા ભભૂકતી આગ ફાટી નીકળી હતી. આગની જ્વાળાઓ અને ધુમાડાના ઘનઘોર ગોટા આસપાસના વિસ્તારને ઘેરી લેતાં દ્રશ્ય ભયાનક બની ગયું હતું.
હોટલના ત્રીજા માળે આવેલા રૂૂમ નંબર 8 મા આગ ફાટી નીકળી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આગ કેવી રીતે લાગી તે અંગે હજુ સુધી સ્પષ્ટ કારણ જાણી શકાયું નથી. પરંતુ શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ કારણ આગનું મૂળ કારણ હોઈ શકે છે. આગની વિકરાળતાને જોઈને હાજર લોકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. મોડીરાત્રે 11 કલાકે ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર ફાઇટર્સે આગને કાબૂમાં લેવાની કામગીરી શરૂૂ કરી હતી. જોકે, ઉંચે ત્રીજા માળે હાઈટ પર લાગેલી આગની વિકરાળતાને કારણે આગને કાબૂમાં લેવામાં ઘણી મુશ્કેલી પડી હતી. કલાકોની જહેમત બાદ ફાયર ફાઇટર્સ આગને કાબૂમાં લઈ શક્યા હતા.
આગના કારણે હોટલને ભારે નુકસાન થયું છે. હોટલના રૂૂમ સળગીને ખાખ થઈ ગયા છે. હોટલમાં રહેલા મહેમાનો સહિત કોઈ જાનહાનિ થઈ હોવાના અહેવાલો નથી. જોકે, આગના કારણે હોટલમાં રહેલા મહેમાનોને તાત્કાલિક સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. આ ઘટનાને પગલે જામનગરમાં ભારે ચકચાર મચી ગઈ છે. લોકો આ ઘટનાને લઈને ચિંતિત છે. આગના કારણે થયેલા નુકસાનનું પ્રમાણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી.