મેટોડામાં ગોપાલ નમકીનના પ્લાન્ટમાં વિકરાળ આગ
રાજકોટ-મેટોડા-કાલાવડ-જામનગર સહિતના સ્થળોએ ફાયર ફાઈટરો બોલાવાયા, ઓઈલ ટેન્કો બચાવવા પ્રયાસ
રાજકોટ શહેરની ભાગોળે કાલાવડ રોડ ઉપર મેટોડા જીઆઈડીસીમાં આવેલ ગોપાલ નમકીનના પ્લાન્ટમાં આજે બપોેરે અચાનક આગ ફાટી નિકળતા ભારે દોડધામ મચી જવા પામી છે અને આગને કાબુમાં લેવા માટે મેેટોડા ઉપરાંત રાજકોટ, કાલાવડ, જામનગર સહિતના સ્થળોએથી ફાયર બ્રિગેડનો કાફલો બોલાવી મેજરકોલ જાહેર કરવામાં આવ્યો છે. ફેકટરીમાં શોર્ટ સર્કિટના કારણે આ આગ લાગી હોવાનું પ્રાથમિક દ્રષ્ટીએ બહાર આવ્યું છે. પરંતુ મેટોડા જીઆઈડીસીના પ્રમુખ નરેન્દ્રસિંહ જાડેજાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, ગોપાલ નમકીનમાં ભયાનક આગ ફાટી નિકળી છે અને આ આગ ઓઈલ ટેન્કો સુધી પહોંચે નહીં તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. અલગ અલગ શહેરોમાંથી ફાયર બ્રિગેડની મદદ મેળવવામાં આવી રહી છે. આ આગ લાગવા પાછળનું કારણ હજુ જાહેર થયું નથી ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયેલ છે. આગના ધુમાડાના ગોટા દૂર દૂર સુધી નજરે પડીરહ્યા છે. મેટોડામાં ગોપાલ નમકીનની આસપાસનો વિસ્તાર ખાલી કરાવવામાં આવ્યો છે. સમગ્ર વિસ્તાર પોલીસ દ્વારા કોર્ડન કરી માત્ર ફાયર બ્રિગેડને જ પ્રવેશ આપવામાં આવ્યો છે. આગના ધુમાડાના ગોટા એક કિલો મીટર વિસ્તારમાં પ્રસરી જતાં ચોતરફ ધુમાડો દેખાઈ રહ્યો છે અને ભયાનક દ્રશ્યો જોવા મળી રહ્યા છે.