સુરતની હજીરામાં આવેલી AMNS કંપનીના પ્લાન્ટમાં લાગી ભીષણ આગ, 4ના મોત, અનેક ઈજાગ્રસ્ત
સુરત જિલ્લાના હજીરામાં આવેલી AMNS કંપનીમાં નવા વર્ષની પૂર્વ સંધ્યાએ જ આગની ઘટના બની હતી. કંપનીના પ્લાન્ટમાં આગ લાગતા 4 મજૂરોના મોત થયા છે અને અન્ય કેટલાક મજૂરો ઈજાગ્રસ્ત થયા છે. ગઈ કાલે સાંજે 6 વાગ્યાના અરસામાં આ દુર્ઘટના બની હતી. કંપનીના કોરેક્સ - 2 પ્લાન્ટમાં એક ચિમનીમાં આગ લાગી હતી. મળતી માહિતી મુજબ આગ લાગી ત્યારે 4 મજૂરો લિફ્ટમાં હતા અને નીકળી ન શકતા તેમના મોત થયાં હતાં.
સુરતના હજીરામાં આવેલી AMNS કંપનીના કોરેક્સ-2 પ્લાન્ટમાં આગની ઘટના બની હતી. આ સમયે નજીકમાં કામ કરી રહેલા પાંચ કામદારો ગંભીર રીતે દાઝી ગયા હતા જેમાં ધવલ પટેલ, ગણેશ પટેલ, જીજ્ઞેસ પારેખ અને સંદિપ પટેલ નામના ચાર કામદારોના ઘટનાસ્થળે જ મોત થયાં હતા. જ્યારે એક કામદારને સારવાર માટે ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
આગમાં ચારેય કામદારો એટલા દાઝી ગયા હતા કે પોટલા વાળી તેઓના મૃતદેહને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.. કંપની દ્વારા ચારેય મૃતકોના નામ જાહેર કરાતા જ તેના પરિવારજનો હોસ્પિટલ પર દોડી આવ્યા હતા. ઘટનાના ચાર કલાક સુધી તેઓને જાણ ન કરાતા તેઓ રોષે ભરાયા હતા.