સુરતમાં સામુહિક આપઘાતનો પ્રયાસ: માતા બે બાળક સાથે રેલવેટ્રેક પર સૂઈ ગઈ, મહિલા અને બાળકનું મોત, એકની હાલત ગંભીર
સુરતમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુરત રેલવે સ્ટેશન પર આજે બપોરે એક મહિલા પોતાના બે બાળકો સાથે આપઘાત કરવાના ઇરાદે એક માલગાડી ટ્રેન આગળ સૂઈ ગઈ હતી. ટ્રેનની અડફેટે આવતાં મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે તેનાં બંને બાળકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં હતાં. સુરતમાં 13 દિવસમાં ચોથી સામૂહિક આપઘાતની ઘટના સામે આવી છે.
આ ઘટનાને લઈને સ્થળ ઉપર મુસાફરો તેમજ સ્ટાફ સહિતના લોકોની ભારે ભીડ એકત્ર થઈ હતી. અને ઘટનાસ્થળનું દૃશ્ય જોઈ તમામ ચોકી ઊઠ્યા હતા. બંને બાળકોને તત્કાલીક ઈજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે 108 દ્વારા સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જેમાં 3 વર્ષના બાળકનું સારવાર દરમિયાન મોત થયું છે, જ્યારે અન્ય બાળકની હાલત ગંભીર છે.
મૃતક મહિલા અંગેની પરિવારની મળતી માહિતી અનુસાર 29 વર્ષીય મૃતક મહિલાનું નામ જયશ્રીબેન હિતેશભાઈ પ્રજાપતિ છે અને તે ડભોલી વિસ્તારમાં આવેલી યોગી સોસાયટીમાં પરિવાર સાથે રહેતા હતા. પરિવારમાં પતિ, સાસુ, નણંદ અને એક દીકરી-દીકરો છે. જયશ્રીબેન સુમુલ ડેરીના પનીર પ્લાન્ટમાં નોકરી કરતા હતા. જ્યારે પતિ વડોદરા આરટીઓ ખાતે આરટીઓ એજન્ટ તરીકે કામ કરે છે.મહિલા દ્વારા આ પ્રકારનું પગલું શા માટે ભરવામાં આવ્યું તે અંગે પરિવારજનો પણ કઈ જાણતા નથી. રેલવે પોલીસ દ્વારા તપાસ હાથ ધરાવામાં આવી છે.