છેતરપિંડીના ગુનામાં જામનગર પોલીસની નોટિસ મળતા મેરેજ બ્યુરો સંચાલકે ફિનાઈલ પી લીધું
જામનગરના યુવક સાથે યુવતીના લગ્ન કરાવ્યા બાદ બંને વચ્ચે ઝઘડો થતાં યુવકે ફરિયાદ કરી’તી : આરોપી કોરા ચેક લખાવી ગયાનો આક્ષેપ
શહેરના માધાપર ચોકડીથી બેડી ચોકડી બાયપાસ હાઈવે પર રહેતા અને મેરેજ બ્યુરો ચલાવતાં આધેેડને છેતરપીંડીના ગુનામાં જામનગર પોલીસ દ્વારા હાજર રહેવાની નોટીસ મળતાં તેણે ફિનાઈલ પી આપઘાતનો પ્રયાસ કરી લેતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જામનગરના યુવક સાથે યુવતીના લગ્ન કરાવ્યા બાદ બન્ને વચ્ચે ઝઘડો થતાં યુવકે મેરેજ સંચાલક વિરૂધ્ધ છેતરપીંડીની ફરિયાદ કરી હતી. જ્યારે મેરેજ બ્યુરો સંચાલકે આરોપી કોરા ચેક લખાવી ગયાનો પણ આક્ષેપ કર્યો હતો.
જાણવા મળતી વિગત મુજબ, માધાપર ચોકડીથી બેડી ચોકડી તરફ જતાં બાયપાસ રોડ પર શ્રી એપાર્ટમેન્ટ બ્લોક નં.302માં રહેતાં મુકેશભાઈ ભીખાભાઈ મકવાણા (ઉ.48) નામના આધેડે આજે સવારે પોતાના ઘરે ફિનાઈલ પી લેતાં તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. પ્રાથમિક તપાસમાં તેઓ મેરેજ બ્યુરો ચલાવતાં હોય અને જામનગરના જીજ્ઞેશ ખેતીયા સાથે ઓળખાણ થઈ હતી. ત્યારબાદ આરોપી ડિવોર્સિ હોય કોઈ સારી યુવતી ધ્યાનમાં હોય તો લગ્ન કરવાનું જણાવતાં તેમણે તેમના કોન્ટેકટમાં આવેલી યુવતી સાથે આરોપીના લગ્ન કરાવ્યા હતાં.
લગ્નના પાંચ છ દિવસ બાદ બન્ને વચ્ચે ઝઘડો થતાં આરોપી યુવતીને રાજકોટ મુકી ગયો હતો. બાદમાં તેણે મેરેજ બ્યુરો સંચાલક વિરૂધ્ધ જામનગર સિટી બી-ડીવીઝન પોલીસ મથકમાં છેતરપીંડીની ફરિયાદ કરી હતી. જેથી જામનગર પોલીસ દ્વારા તેમને હાજર રહેવા માટે નોટિસ પાઠવવામાં આવી હતી. જેના કારણે તેમણે આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત મુકેશભાઈએ આરોપી તેમની પાસેથી કોરા ચેક પણ લખાવી ગયાનો આક્ષેપ કર્યો હતો. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી ગાંધીગ્રામ પોલીસને જાણ કરતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.