GTU દ્વારા લેવાયેલી ટ્રિપલ-સીની પરીક્ષામાં 39 ઉમેદવારોના ગુણમાં છેડછાડ
જીટીયુ દ્વારા લેવાતી સરકારી કર્મચારીઓ માટેની ટ્રિપલ સીની પરીક્ષામાં અગાઉ 2018ના વર્ષ દરમિયાન મોટા ગોટાળા થયા હોવાની ફરિયાદ ઉઠી હતી. બાદમાં કોઈ પ્રકારની કાર્યવાહી થઈ નહોતી.હવે આટલા વર્ષો બાદ જીટીયુ દ્વારા તાજેતરમાં ત્રણ પ્રોફેસરોની એક કમિટી રચીને તપાસ શરૂ કરાઈ હતી. આ કમિટીએ રિપોર્ટ આપી દીધો તે આજે જીટીયુની બોર્ડ મીટિંગમાં મુકાયો હતો.
તપાસ રિપોર્ટ મુજબ 39 ઉમેદવારોના માર્ક વધારીને પાસ કરવામાં આવ્યા હતા. હાલમાં જીટીયુએ પોલીસ ફરિયાદ કરી નથી કે નિર્ણય પણ લીધો નથી. પરંતુ તત્કાલિન આઈટી સેકશન હેડને શોકોઝ નોટિસ આપવાનું નક્કી કરાયું છે.2018ના વર્ષમાં માર્કમાં છેડછાડ કરાઈ હોવાની એક ઉમેદવારની ફરિયાદ બાદ અને મીડિયામાં સમાચારો વહેતા થયા બાદ જીટીયુએ અંતે તપાસ કમિટી રચી હતી.
જે તે સમયના આઈટી સેક્શનના હેડ અને નેટવર્ક એડમિનિસ્ટ્રેટર કેયુર શાહની જીપેરી ખાતે બદલી પણ કરવામાં આવી હતી. જ્યારે તત્કાલિન આઈટી સેક્શનના કો-ઓર્ડિનેટરની આ વિભાગના વડા તરીકે નિમણૂક કરાઈ હતી. જીટીયુએ થોડા સમય અગાઉ ત્રણ પ્રોફેસરોની એક કમિટી રચી હતી. આ કમિટીએ તત્કાલિન કો-ઓર્ડિનેટર પાસેથી વધુ વિગતો માગી હતી.
તપાસ દરમિયાન વધુ 37 ઉમેદવારોના માર્કસમાં છેડછાડ કરાઈ હોવાના પુરાવા તે સમયના કોઓર્ડિનેટર અને હાલના આઈટી સેક્શન હેડ મહેશ પંચાલે કમિટીને આપ્યા હતા. આ તપાસનો રિપોર્ટ યુનિવર્સિટીને સોંપી દેવાયો હતો અને આજે બોર્ડ ઓફ ગવર્નિગની મીટિંગમાં મુકાયો હતો.