એરપોર્ટ રોડ ઉપર બિલ્ડર દ્વારા અનેક વૃક્ષોની કતલ
રાત્રીના અંધારામાં મજૂરોની ટીમ ઉતારી ફૂટપાથ ઉપર વાવેલા 4થી 10 વર્ષના વૃક્ષો કપાવી નાખ્યા
લોકોએ વિરોધ નોંધાવતા અમુક વૃક્ષો અડધા કાપેલા છોડી માણસો નાસી ગયા, ભારે રોષની લાગણી
રાજકોટ શહેરના એરપોર્ટથી હનુમાન મઢીને જોડતા રોડ ઉપર એક બિલ્ડરે પોતાની સાઈટનું લોકેશન ખુલ્લુ કરવા માટે ફૂટપાથ ઉપર ઉભેલા ઘટાદાર વૃક્ષોની કતલ કરાવી નાખતા આસપાસના વિસ્તારોના રહિશો અને પર્યાવરણ પ્રેમીઓમાં ભારે દોકારો મચી જવા પામેલ છે. સ્થાનિક લોકોના કહેવા મુજબ એરપોર્ટ રોડ ઉપર રાત્રીના બે થી અઢી વાગ્યે અંધારાનો લાભ લઈ ફૂટપાથ ઉપર ઉભેલા 4થી 10 વર્ષ જૂના વૃક્ષો એક બિલ્ડરના માણસો દ્વારા કાપવામાં આવી રહ્યા હતાં. અને વર્ષો જૂના કેટલાક વૃક્ષો કાપી નાખવામાં આવ્યા હતાં.
આ દરમિયાન સ્થાનિક લોકો એકઠા થઈ જતાં અને વિરોધ નોંધાવતા બિલ્ડરના માણસો કેટલાક વૃક્ષો અધુરા કાપેલા છોડીને નાશી છૂટ્યા હતાં. આસપાસના રહીશોએ જણાવ્યું હતું કે, અહીં આર.કે. બિલ્ડરના નામે પ્રોજેક્ટ શરૂ થઈ રહ્યો છે. તેના માણસોએ આ વૃક્ષોની કતલ કરી છે ત્યારે આ વૃક્ષો કાપવા માટે કોઈની મંજુરી લેવામાં આવી હતી કે મંજુરી વગર જ રાત્રીના અંધારામાં વૃક્ષોની કતલ કરી નાખવામાં આવી છે. તેવા સવાલો ઉઠી રહ્યા છે.