મનપાના લગ્ન હોલ હજુ બે મહિના બંધ રહેશે
ફાયર એનઓસી માટેની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરેલ હોય, કામગીરી શરૂ થતા સમય લાગશે
ટીઆરપી ગેમઝોન દુર્ઘટના બાદ મહાનગરપાલિકાએ બીયુ સર્ટી અને ફાયર એનઓસી મુદ્દે કડક ચેકીંગ હાથ ધરી અનેક એકમોને સીલ કર્યા હતાં. જેમાં મહાનગરાપલિકાની માલીકીના લગ્ન હોલ પણ બંધ કરવામાં આવેલ અને આ હોલમાં ફાયર સેફ્ટીના સાધનો ફીટ કરવા માટે ટેન્ડરપ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેને સમય લાગવાનો હોય હજુ પણ બે મહિના મહાનગરપાલિકાના લગ્ન હોલ બંધ રહે તેવી શક્યતા મ્યુનિસિપલ કમિશનરે આજે વ્યક્ત કરી હતી.
મ્યુનિસિપલ કમિશનરે જણાવેલ કે, ફાયર સેફ્ટીના સાધનો વગર મહાનગરપાલિકાના લગ્ન હોલ ચલાવી શકાય નહીં આથી તમામ લગ્નહોલ તેમજ મહાનગરપાલિકા સંચાલિત શાળાઓમાં ફાયર સેફ્ટીના સાધનો ફીટ કરવા માટે તેની ખરીદી માટેની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. બે ટેન્ડર પ્રસિધ્ધ થઈ ગયેલ છે. અને આજે એક ટેન્ડર પ્રસિધ્ધ થશે પરંતુ ટેન્ડર ભરાઈને પરત આવ્યા બાદ એલ-1 પાર્ટીને કામ આપવામાં આવે તે સહિતની પ્રક્રિયામાં સમય લાગવાનો છે. ત્યાર બાદ વર્કઓર્ડર આપી ફાયર સેફ્ટીના સાધનોની ખરીદી કરવામાં આવે અને બાકી રહી ગયેલ તમામ લગ્ન હોલમાં ફાયર સેફ્ટીના સાધનો ફીટ કર્યા બાદ તેની ચકાસણી કરી ફાયર એનઓસી ફાળવવામાં આવે જેમાં અંદાજે બે માસ જેટલો સમય લાગવાનો છે. આથી હજુ પણ બે માસ મહાનગરપાલિકાના ફાયર સેફ્ટીના સાધનો નથી. એ પ્રકારના લગ્ન હોલ બંધ રાખવામાં આવશે. જેના માટે કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવશે. તેવી જ રીતે નગરપ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ કે જેમાં ફાયર સેફ્ટીના નિયમોની અમલવારી ફરજિયાત હોય તેવી શાળાઓ માટે પણ ફાયર સેફ્ટીના સાધનો ખરીદવામાં આવશે અને તમામ શાળાઓમાં ફાયર સેફ્ટીના સાધનો ફીટ કર્યા બાદ તેની ચકાસણી અને ફાયર એનઓસી ફાળવ્યા બાદ હાલમાં શાળામાં જે પ્રકારની વ્યવસ્થા છે તેમાં ફેરફાર કરવામાં આવશે.
મહાનગરપાલિકાના ફાયર સેફ્ટીના સાધનો વગરના લગ્ન હોલ ઘણા સમયથી સીલ કરવામાં આવ્યા છે. અને જે તે વખતે અનેક પરિવારોના પ્રસંગો પણ રઝડી પડ્યા હતાં. આથી હવે ફરી વખત મહાનગરપાલિકા દ્વારા વધુ બે માસનો સમય માંગવામાં આવ્યો છે. આથી આગામી દિવસોમાં લગ્નગાળાની સિઝન આવતી હોય ફરી વખત અનેક પરિવારોએ મોંઘાભાવના પાર્ટીપ્લોટ અથવા પ્રાઈવેટ વાડીઓ ફરજિયાત રાખવી પડશે. તેવું લાગી રહ્યું છે.