મનપાની બેધારી નીતિ: એમએલએની જી હજુરી, સામાજીક સંસ્થાઓને ધુત્કાર
જિલ્લા નારી સુરક્ષા સમિતિ (રાજકોટ)ના લીગલ એડવાઈઝર એડવોકેટ ભાવનાબેન વાઘેલા, પ્રફુલાબેન ચૌહાણ, હંસાબેન સાપરિયા કોઠારીયા કોલોની યુવા ગ્રુપના પ્રમુખ ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, પ્રવીણભાઈ લાખાણી, પૂર્વ ફૌજી નટુભા ઝાલા, એડવોકેટ હિંમતભાઈ લાબડીયા ની સંયુક્ત યાદી જણાવે છે કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 80 ફૂટ રોડ પર ના શેઠ હાઈસ્કૂલનું ગ્રાઉન્ડ મહિલાઓના શરદોત્સવના રાસોત્સવ માટે છેલ્લા 25 વર્ષો થી આપવામાં આવે છે. અગાઉ આ ગ્રાઉન્ડનું ભાડું લેવામાં આવતું નહોતું ત્યારે પણ ગ્રાઉન્ડ મહિલાઓ માટે ફાળવવામાં આવતું હતું. છેલ્લા દસેક વર્ષથી સ્ટેન્ડિંગમાં ઠરાવ થયા બાદ ભાડું વસૂલવામાં આવે છે. કોઠારીયા કોલોની યુવા ગ્રુપ અને જિલ્લા નારી સુરક્ષા સમિતિ રાજકોટ દ્વારા નિયત ફી ભરી આ વિસ્તારના બે થી અઢી હજાર મહિલાઓ માટે નિ:શુલ્ક રાસોત્સવ નું આયોજન કરે છે. જેમા કોઇપણ જાતના ભેદભાવ વગર દીકરીથી માંડી સિનિયર સિટીઝન મહિલાઓને રાસોત્સવમાં ભાગ લેતા હોય છે.
તારીખ - 16/11 શરદપૂનમના આયોજન માટે તારીખ 1/11 ના મ્યુનિસિપલ કમિશનર અને શાળાના આચાર્યને ઇન્વર્ડ નંબર 4788 થી સંસ્થાના લેટરપેડ પર ગ્રાઉન્ડની શરદોત્સવના મહિલા રાસોત્સવ માટે વર્ષોની પરંપરા મુજબ લેખિતમાં ગ્રાઉન્ડની માંગ કરવામાં આવી હતી. પરંતુ એ અરજીનો હકારાત્મક કે નકારાત્મક જવાબ આપવાની તસ્દી આચાર્ય કે રાજકોટ મહાનગરપાલિકાના નિંભર તંત્ર દ્વારા લેવામાં આવી નહોતી. જે પગલે સંસ્થા શેઠ હાઇસ્કુલ ગેઇટ પાસે શરદપૂનમના દિવસે બહોળી સંખ્યામાં ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ મેદાન એ કોઈની પ્રાઇવેટ માલિકીનું નથી પ્રજાના માલિકીનુ મેદાન છે. ત્યારે સતાધીશો જેટલો જ હક પ્રજાનો પણ છે. સામાજિક સંસ્થાઓ દ્વારા આ મેદાન પર સમૂહ લગ્નોત્સવ, રચનાત્મક, સામાજિક, સેવાકીય પ્રવૃતિઓ, રાસોત્સવ, ધાર્મિક કે અન્ય પ્રજાલક્ષી કામગીરી માટે જ્યારે આ મેદાનની માંગ કરવામાં આવે છે ત્યારે સામાજિક સંસ્થાઓની અરજીઓ કચરાપેટીમાં પધરાવી દેવામાં આવે છે અથવા તો મંજૂરી મેળવવામાં અભિમન્યુના સાત કોઠા વીંઝવા પડે તે પ્રકારનો માહોલ શાળાના આચાર્ય અને તંત્ર વાહકો દ્વારા સર્જવામાં આવે છે.
તારીખ 13/11 ભારતીય જનતા પાર્ટી દ્વારા વિધાનસભા કાર્યકર્તા આગેવાનોનો સ્નેહમિલન આ ગ્રાઉન્ડમાં રાખવામાં આવેલ ત્યારે ધારાસભ્ય રમેશ ટીલાળા દ્વારા તારીખ 9/11 ના અરજી કરી સ્કૂલ દ્વારા તારીખ 11/11 ના મહાનગરપાલિકા ના તંત્ર સમક્ષ ફાઈલ મોકલવામાં આવી તારીખ 12/11 મંજૂરી લીધા પહેલા મંડપ નાખી દેવામાં આવ્યા બાદ તારીખ 13/11 નિયત ફી ચુકવવામાં આવી હતી. ચારેક દિવસમાં સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી. જ્યારે સામાજિક સંસ્થાઓ ની અરજીઓ મા ઠાગાઠૈયા કરવામાં આવે છે. ત્યારે મહાનગરપાલિકાના તંત્ર વાહકો એકની ગોળ અને બીજાને ખોળની નીતિ બંધ કરે. કોઠારીયા કોલોની યુવા ગ્રુપ દ્વારા જિલ્લા નારી સુરક્ષા સમિતિ ને સંયુક્ત રીતે મહિલા રાષોત્સવમાં તંત્ર વાહકોએ જવાબ દેવાની તસ્દી ના લેવાતા કયા કારણથી ગ્રાઉન્ડ આપવામાં આવેલ નથી તે અંગેની સ્પષ્ટતા કરવા, કયા ટેબલે કેટલો દિવસ ફાઈલ પડી રહી, કયા અધિકારીએ ફાઇલમાં શું નોંધ કરી તે અંગેની તમામ વિગતો નવેમ્બર માસના મુખ્યમંત્રી સ્વાગત કાર્યક્રમમાં ફરિયાદ કરવામાં આવી છે.