રૈયા રોડ પર પાર્કિંગની સમસ્યા, પોલીસની કનડગતથી વેપારીઓ ત્રાહિમામ્
ટોઈંગ ટેરરથી વેપારીઓને ધંધો કરવામાં પડી રહેલી ભારે મુશ્કેલી, વેપારીઓએ રેલી યોજી પોલીસ કમિશનર-મનપા કમિશનરને આવેદન પાઠવ્યું
સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટ શહેરમાં ટ્રાફિક સમસ્યાએ સૌથી મોટો પ્રાણ પ્રશ્ર્ન છે અને આ પ્રશ્ર્નોને નિવારવા માટે રાજકોટ શહેરની ટ્રાફિક પોલીસ દ્વારા નિયમોનુ કડક પાલન કરાવવામાં આવે છે જેમાં તેમના દ્વારા રૈયા રોડથી લઇ હનુમાન મઢી રોડ પરની ટ્રાફીક સમસ્યા માથાના દુ:ખાવા સમાન છે ટ્રાફીકનુ નિરાકરણ લાવવા અગાઉ વેપારીઓ સાથે મિટીંગ પણ યોજવામાં આવી હતી તેમની પાસેથી પ્રશ્ર્નો મેળવી તેમને હલ કરવા માટે એકશન પ્લાન પણ ઘડવામાં આવ્યો હતો આમ છતા હજુ સુધી આ ટ્રાફીક સમસ્યાનુ નિરાકરણ નહી થયાનો પુરાવો આજે જોવા મળી રહયો છે. રૈયા રોડથી હનુમાન મઢી સુધીના વેપારીઓનો સૌથી મોટો પ્રશ્ર્ન એટલે પાર્કિંગની સુવિધા જયા પોતાના વાહન અને દુકાને ખરીદી કરવા આવતા વાહનો કયાં રાખવા ? તે અંગે સૌથી મોટો સવાલ ઉભો થયો છે.
આ પ્રશ્ર્નનુ નિરાકરણ નહી આવતા આજે પ00 થી વધુ વેપારીઓ દ્વારા પોલીસ અને પ્રશાસન ઉપર રોષ ઠાલવવામાં આવ્યો છે. તેમજ આજે બપોર સુધી 700 જેટલા વેપારીઓએ બંધ પાળી વિરોધ દર્શાવ્યો હતો. તેઓએ આક્રોશ ઠાલવતા જણાવ્યુ હતુ કે રૈયા રોડ પર બનેલા અન્ડરબ્રિજ બાદ ટ્રાફીક સમસ્યામાં અચાનક વધારો થયો છે.
ત્યારે આ અંગે ર019 માં ડીસીપી મનોહરસિંહ જાડેજા સમક્ષ ટ્રાફીક સમસ્યા અને પાર્કિંગ સમસ્યા અંગે નિરાકરણ લાવવા રજુઆત કરવામાં આવી હતી. ત્યારે તેઓએ અમારી સમસ્યાઓ ધ્યાનમાં લઇ ત્વરીત નિર્ણય લઇ દુકાન પાસે પાર્કિંગ અંગેના પીળા પટ્ટા દોરાવી પોલીસ વિભાગ તેમજ કોર્પોરેશનમાં રજુઆત કરી પાર્કીંગની જગ્યા સુનિશ્ર્ચીત કરી આપી હતી. છેલ્લા પાંચ વર્ષથી વેપારીઓ દ્વારા આ પીળા પટ્ટા પર વાહન પાર્ક કરવામાં આવતા હતા જેથી હજુ સુધી કોઇ સમસ્યા થઇ ન હતી પરંતુ છેલ્લા એકાદ વર્ષ પહેલા રોડ રીપેરીંગના કારણે બ્લોક નાંખવામા આવતા પીળા પટ્ટાના નિશાન જતા રહયા હતા.
ત્યારબાદ પાર્કિંગની સમસ્યાનો ઉદભવ થયો હતો. આ સમસ્યાને નિવારવા પોલીસ કમિશનર તેમજ ટ્રાફિક શાખા તેમજ કોર્પોરેશનને અગાઉ પણ પીળા પટ્ટા મારવા અંગે રજુઆત કરવામાં આવી હતી. આમ છતા કોર્પોરેશન પીળા પટ્ટા ન મારી આપે તેવા ઉડાવ જવાબ વેપારીઓને મળ્યા હતા. આ સમસ્યા નિવારવા માટે આજે સવારથી 700 થી વધુ વેપારીઓએ વહેલી સવારથી બપોરના 1ર વાગ્યા સુધી હડતાળ પર ઉતરી દુકાન બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો. બપોરબાદ પોલીસ કમિશનર બ્રજેશ ઝા ને રજુઆત કરતા તેઓએ ટ્રાફિક સમસ્યા અને પાર્કિંગ સમસ્યાનુ નિવારણ લાવવા ખાતરી આપી હતી ત્યારબાદ વેપારીઓએ મનપાના કમિશનરને પણ પોતાની સમસ્યાનુ નિવારણ લાવવા રજુઆત કરવામાં આવી હતી.
200ની વસ્તુ લેવા આવતા ગ્રાહકો પાસેથી નો-પાર્કિંગના નામે રૂા.500નો દંડ વસૂલાય છે: વેપારીઓનો આક્રોશ
રૈયા રોડથી હનુમાન મઢી સુધીમાં દુકાનો અને શોરૂમ ધરાવતા વેપારીઓ દ્વારા ટ્રાફિક સમસ્યા તેમજ પાર્કિંગ સમસ્યાને લઇ આજે સવારથી હડતાળ પર ઉતરી દુકાનો બંધ રાખી પોલીસ પ્રશાસન અને મનપા સામે અનોખો વિરોધ દર્શાવ્યો હતો. વેપારીઓએ આક્રોશ ઠાલવતા જણાવ્યુ હતુ કે હાલ અમારે વાહન પાર્કિંગ કયા કરવા ? એ સૌથી મોટો સવાલ ઉભો થયો છે. પોલીસ દ્વારા અમારા વાહન દુકાન નજીક પડયા હોય ત્યા નો-પાર્કિંગ ગણી પ00 થી લઇ 1000 સુધીનો દંડ વસુલવામાં આવે છે તેમાં અમારી દુકાને ર00 ની વસ્તુ ખરીદવા આવેલો ગ્રાહક 10 મિનીટ માટે પોતાનુ વાહન રસ્તા પર રાખે ત્યારે તેમની પાસેથી નો-પાર્કિંગના નામે પ00 જેટલો દંડ વસુલે છે. ત્યારે હાલ અમારે અહીંયા ધંધો કરવો મુશ્કેલ થઇ રહયો છે. જેથી આ પાર્કિંગની સમસ્યાનો જલ્દીથી હલ આવે તેવી રજુઆત છે.
રૈયા સર્કલ અને હનુમાન મઢી ચોકમાં ટ્રાફિક ટેરર
રૈયા રોડ ઉપર હનુમાન મઢી ચોક અને રૈયા રીંગ રોડ સર્કલે સૌથી વધુ ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે. હનુમાન મઢી ચોકમાં મેડિકલ સ્ટોર અને ખાણી-પીણીની દૂકાનો આગળ આડેધડ વાહનો પાર્ક કરવામાં આવતા હોવાથી ટ્રાફિક સમસ્યા સર્જાય છે. ખાસ કરીને રૈયા રોડ ઉપરથી નિર્મલા રોડ તરફ જવામાં ભારે હાડમારી વેઠવી પડે છે. આજ રીતે રૈયા સર્કલ પાસે ઓવરબ્રિજ નીચેથી પસાર થતા વાહનોને રૈયા ગામ તરફ જવામાં ભયંકર ટ્રાફિક સમસ્યા નડે છે અહીં ચારે તરફ રીક્ષા ચાલકો રોડ દબાવીને દાદાગીરી કરે છે અને ભગવતી ફાસ્ટફૂડ તથા અન્ય ખાણીપીણીની દૂકાનો આગળ આડેધડ વાહનો પાર્ક કરી રોડ દબાવી દેવામાં આવે છે અહીં નો પાર્કિંગ ઝોન હોવા છતા 80 ટકા રોડ ઉપર દબાણ કરી દેવામાં આવે છે. પોલીસ આ બધુ જાણતી હોવા છતા આંખ આડા કાન કરે છે.