મનપાનું 20મીએ બોર્ડ : વિપક્ષ સ્મશાનના લાકડા સળગાવશે
ભાજપના 18 અને કોંગ્રેસના 3 કોર્પોરેટરો દ્વારા 44 પ્રશ્ર્નો પૂછાયા, વિપક્ષના પ્રશ્ર્નનો વારો આવવાની શક્યતા નહિવત છતાં તડાફડી થવાના એંધાણ
મહાનગરપાલિકાનું જનરલ બોર્ડ આગામી તા. 20-9ને શુક્રવારના રોજ યોજાશે. અગાઉ મંજુર થઈ ગયેલ અને બોર્ડમાં મંજુરી અર્થે 22 દરખાસ્ત રજૂ કરવામાં આવી છે. જ્યારે પ્રશ્ર્નોતરી માટે ભાજપના 18 અને કોંગ્રેસના 3 મળી 21 કોર્પોટેરો દ્વારા 44 પ્રશ્ર્નો પુછવામાં આવ્યા છે. પરંતુ વિપક્ષી નેતા વસરામભાઈ સાગઠિયાનો 17મો પ્રશ્ર્ન હોવાથી પ્રશ્ર્નોતરીમાં વારો ન આવે તેવી શક્યતા જોવાઈ રહી છે. છતાં સ્મશાન લાકડા કૌભાંડ સહિતના મુદ્દે વિપક્ષ સભાગૃહ ગજવશે તેવું અત્યારથી લાગી રહ્યું છે.
મનપાના આગામી જનરલ બોર્ડમાં એજન્ડા રજૂ કરવામાં આવ્યો છે. જેમાં અલગ અલગ 22 દરખાસ્ત રજૂ કરવામાં આવનાર છે. જ્યારે પ્રશ્ર્નોતરી દરમિયાન ભાજપના 18 કોર્પોરેટરો દ્વારા 35 પ્રશ્ર્નો અને કોંગ્રેસના ત્રણ કોર્પોરેટરો દ્વારા 9 પ્રશ્ર્નો પુછવામાં આવ્યા છે. પરંતુ 1થી 17 નંબર સુધીના પ્રશ્ર્નો શાસકપક્ષના કોર્પોરેટરોના હોવાથી વિપક્ષનો પ્રશ્ર્નોતરીનો વારો આવી શકે તેમ નથી. છતાં વિપક્ષી નેતા વસરામભાઈ સાગઠિયા દ્વારા શાસકપક્ષને ભીડવવા માટે આજી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ તેમજ રામનાથ મહાદેવ કોરીડોર પ્રોજેક્ટની કામગીરી અને સફાઈ કામદારોના સેટઅપ અંગેના અમુક અઘરા પ્રશ્ર્નો પુછવામાં આવ્યા છે. પરંતુ સ્મશાન લાકડા કૌભાંડ અંતર્ગત કેટલા લાકડા કપાણા અને જે જગ્યાએ આપવામાં આવ્યા તે બન્નેના હિસાબનો મેળ છે કે નહીં તેમજ એજન્સીઓને બીલ ચુકવાય છે ત્યારે ક્યા ક્યા અધિકારીઓની સહીઓ થતી હોય છે. તેમજ લાકડા કાપ્યાથી નિકાલ સુધીમાં કોની જવાબદારી આવે છે તેમજ છેલ્લા ત્રણ વર્ષમાં ક્યા ક્યા લાકડા કપાયા અને કેટલા પહોંચ્યા તેમજ બીલ કેટલા મુકવામાં આવ્યા અને કેટલા બીલ ચુકવી દિધા તેમજ એજન્સીએ લાકડાની જે પહોંચ આપી હોય તેની તપાસ કરવામાં આવી છે કે નહીં અને એજન્સીને કામ અપાયુ તે સમયની ટેન્ડરની તમામ વિગત સહિતની જાણકારી માંગવામાં આવી છે. આથી સ્મશાનના લાકડા મુદ્દે જનરલ બોર્ડમાં વિપક્ષ અધવચ્ચે જ બોર્ડની કામગીરી અટકાવે તેવી સંભાવનાઓ પ્રબળ બની છે.
મનપાના જનરલ બોર્ડમાં એજન્ડામાં વર્ગ-4ના ફિક્સ પગારના કર્મચારીઓના આશ્રિત કુટુંબોને નાણાકીય સહાય તેમજ બેઝ એફએસઆઈ તેની ઉપર વધારાની એફએસઆઈની રકમ તથા ટીપી સ્કીમમાં ઈન્ક્રીમેન્ટલ ચાર્જીસ નક્કી કરવા તથા આઈસીડીએસ વિભાગમાં સ્ટાફ સેટઅપમાં સુધારો તથા સેક્રેટરી વિભાગનું સેટઅપ રિવાઈઝ કરવા પુનિત નગર પાસે મટુકી રેસ્ટોરન્ટ ચોકનું ખોડલચોક નામકરણ કરવા અને લેવલ-9ના વર્ગ-2માં ફરજ બજાવતા કર્મચારી અધિકારીને સાતમા પગાર પંચનો લાભ આપો તથા ટીપીઓ એમ.ડી સાગઠિયા વિરુદ્ધ અપ્રમાણસર મિલ્કત વસાવ્યાના ગુનાના કામે પ્રોસિક્યુશન ચલાવવાની મંજુરી આપવી તેમજ જનભાગીદારી યોજનામાં ગ્રાન્ટના નિતિનિયમો મંજુર કરવા અને ફાયર વિભાગમાં નવુ મહેકમ ઉભુ કરવા સહિતની દરખાસ્ત રજૂ કરવામાં આવશે.