પોલીસ ભરતીની ફિઝિકલ પરીક્ષામાં નાપાસ થતા માણાવદરના યુવાનનો આપઘાત
અમુક સેક્ધડો માટે રહી જતા યુવાન હતાશ થઇ ગયો હતો : રાત્રીના સમયે ગળેફાંસો ખાઇ જીવન ટૂકાવ્યું
રાજયમા હાલ પોલીસ ભરતીને લઇ ગ્રાઉન્ડની પરીક્ષા લેવાઇ રહી છે ત્યારે રાજયના 1પ જેટલા ગ્રાઉન્ડમા સાડા બાર હજારની જગ્યાની સામે 10 લાખ જેટલા યુવાનોની દોડ શરૂ કરવામા આવી છે ત્યારે માણાવદરમા રહેતા એક યુવાને પોલીસ ભરતીની દોડમા નિષ્ફળ જતા ઝાડ સાથે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.
આ ઘટનાને લઇ પરિવારમા શોક છવાઇ ગયો છે. વધુ વિગતો મુજબ માણાવદરના દગળ ગામે રહેતા પરેશ હમીરભાઇ કાનગડ (ઉ.વ. 29) નામના યુવાને બાંટવા પાસે ગોપેશ્ર્વર મંદિરની સામે બાવળની કાટમા ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ મામલે બાંટવા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ બી. એન. ડાંગર અને સ્ટાફ તપાસ ચલાવી રહયો છે. પોલીસ સુત્રોમાથી જાણવા મળ્યુ છે કે પરેશનુ ગઇ તા. 9 ના રોજ પોલીસ ગ્રાઉન્ડ આવ્યુ હતુ અને તેમણે પીએસઆઇ અને એલઆરડીમા ફોર્મ ભર્યુ હતુ.
પોલીસ ભરતીના ગ્રાઉન્ડમા અમુક સેક્ધડ માટે ગ્રાઉન્ડ પર નાપાસ થતા પોતે હતાશ થઇ ગયો હતો અને તેમણે ગઇકાલે મોડી રાત્રે આ પગલુ ભરી લીધુ હતુ. પરિવારમાથી જાણવા મળ્યુ હતુ કે પરેશ છેલ્લા છ મહીનાથી ગ્રાઉન્ડ પાસ કરવા માટે મહેનત કરી રહયો હતો અને તેમને નિષ્ફળતા મળતા આ પગલુ ભરી લીધુ હતુ.