મલ્હાર ઠાકરની ‘ઓલ ધ બેસ્ટ પંડ્યા’ પિતા-પુત્રના સંબંધો પર આધારિત
ગુજરાતી ફિલ્મોનો સ્ટાર ઍક્ટર મલ્હાર ઠાકરે એક પછી એક ઘણી હિટ ફિલ્મો આપી છે. અભિનેતા મલ્હારની નવી ફિલ્મ હવે 14મી માર્ચના રોજ રિલીઝ થવા જઈ રહી છે. મલ્હારની આ નવી ફિલ્મનું નામ છે, ઓલ ધ બેસ્ટ પંડ્યા. જેથી હવે આ ફિલ્મ પણ મલ્હારની હિટ ફિલ્મોની યાદીમાં સામેલ થશે એવી મેકર્સને આશા છે. જીગર ચૌહાણ પ્રોડક્શનની બુદ્ધિપ્રિયાય પિક્ચર્સ એલએલપીના સહયોગ સાથેની આ ફિલ્મને રાહુલ ભોલે અને વિનીત કનોજિયાએ ડિરેક્ટર કરી છે.
મલ્હાર ઠાકર આ ફિલ્મમાં અક્ષય પંડ્યાની ભૂમિકામાં જોવા મળવાનો છે. મલ્હાર સાથે દર્શન જરીવાલા (હસમુખ પંડ્યા), વંદના પાઠક (ઇન્દુ) અને યુક્તિ રાંદેરિયા (ભૂમિ) પણ મહત્ત્વપૂર્ણ રોલમાં નજરે પડશે. ફિલ્મની સ્ટોરી લાઈનની વાત કરીએ તો અક્ષય પંડ્યા (મલ્હાર) અને તેમના પિતા હસમુખ પંડ્યા (દર્શન જરીવાલા) વચ્ચેના સબંધો થોડાં જટિલ હોય છે. તેમના જીવનમાં એક અણધાર્યો વળાંક આવે છે. હસમુખ પંડ્યા કે જે એક સિદ્ધાંતવાદી અને ઈમાનદાર વ્યક્તિ છે, તેના પર લાંચ લેવાનો આરોપ મુકવામાં આવે છે.
કાયદાકીય રીતે તેને ન્યાય મળતો નથી. અક્ષય પોતાના પિતાને ન્યાય અપાવવા માટે કોર્ટમાં જાય છે. કોર્ટ રૂૂમમાં લાગણીઓનો સમન્વય દર્શાવતી આ એક સંપૂર્ણ ડ્રામા ફિલ્મ છે. આ ફિલ્મ પિતા-પુત્રના સંબંધો વચ્ચેની જટિલતાઓને શોધે છે, સાથે સાથે પ્રામાણિકતા, પરિવાર અને સત્યને પડકારતા કેસને પણ ઉજાગર કરે છે.