હોસ્ટેલ-કોલેજોમાં CCTV ફરજિયાત કરો: વાલીઓ
અમદાવાદની એલ.ડી.કોલેજમાં વિદ્યાર્થીના મોતની ઘટના બાદ પ્રબળ બનતી માગણી
અમદાવાદની એલ.ડી. કોલેજની હોસ્ટેલમાં વિદ્યાર્થીના શંકાસ્પદ મોત બાદ વાલીઓ અને મેનેજમેન્ટમાં ઘેરા પ્રત્યાઘાત પડયા છે. બનાવ બાદ વાલીઓમાં હોસ્ટેલમાં સીસીટીવી કેમેરા લગાવવા માટે માંગ ઉઠી છે. મેનેજમેન્ટે પણ હોસ્ટેલમાં સીસીટીવી લગાવવાનો નિર્ણય લીધો છે.
વાલીઓમાં ઉઠેલા રોષ અને માંગને ધ્યાનમાં રાખી મેનેજમેન્ટ દ્વારા કોલેજની હોસ્ટેલની તમામ વિંગમાં સીસીટીવી લગાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને ટૂંક સમયમાં તે કામગીરી શરૂ કરવામાં આવશે. બે વર્ષ અગાઉ પણ પ્રશાસન દ્વારા સીસીટીવી લગાવવા નિર્ણય લેવાયો હતો પરંતુ છાત્રોએ પોતાની પ્રાઇવસીનો મુદ્દો ઉઠાવતા આ પ્રોજેકટ પડતો મૂકાયો હતો.
હોસ્ટેલની એક પણ લોબીમાં સીસીટીવી કેમેરા લાગેલા નહિ હોવાથી પોલીસને પણ તપાસ માટે એફએસએલ અને પેનલ પીએમ રીપોર્ટની વિગતો તપાસવી પડી. બીજીતરફ વિદ્યાર્થીના પરિવારજનોએ પણ હોસ્ટેલમાં સીસીટીવી નહિ હોવાનો મુદ્દો ઉઠાવ્યો છે તેમજ કોલેજમાં દારુની અને નશાની મહેફીલો થતી હોવાના આરોપો લગાવ્યા છે.
આ મામલે કોલેજ પ્રશાસનને જવાબદાર ઠેરવ્યું છે. તો વળી એલ.ડી. કોલેજના પ્રિન્સિપાલએ આ મામલે જણાવ્યું કે, બે વર્ષ અગાઉ પણ સીસીટીવી લગાડવાનો નિર્ણય કર્યો હતો પરંતુ તે સમયે વિદ્યાર્થીઓએ પોતાની પ્રાઈવસીનો મુદ્દો આગળ ધરી વિરોધ કર્યો હતો. જેના પગલે સીસીટીવી લગાડવાનો નિર્ણય પડતો મુકાયો હતો. પરંતુ હવે વિદ્યાર્થીના મોતની ઘટના બનતા સીસીટીવી લગાડવા જરુરી છે. વિદ્યાર્થીઓનો વિરોધ હશે તો પણ સીસીટીવી લગાડવામાં આવશે.
મહત્વનું છે કે, થોડા વર્ષો અગાઉ પણ હોસ્ટેલમાં સ્યુસાઈડની ઘટના બની ચૂકી છે અને ફરી વિદ્યાર્થીના મોતની ઘટના બનતા તંત્ર એક્શનમાં આવ્યું છે. તો વળી પોલીસ પણ ગુનાહીત પ્રવૃતિઓને પકડવા માટે સોસાયટીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, જાહેર માર્ગો પર સીસીટીવી લગાડવા માટે આદેશ કરતી હોય છે ત્યારે હવે એલ.ડી. કોલેજની હોસ્ટેલમાં સીસીટીવી લગાડવા પોલીસ પણ કડકાઈ ભર્યું વલણ અપનાવે તેવું લાગી રહ્યું છે.