રાજકોટમાં મકરસંક્રાંતિ બની લોહિયાળ: 3નાં મોત, 60 ઘવાયા
બેડલાના યુવાનનુ ગળુ કપાતા મોત : 45 લોકોને ગળા, કાન, નાક અને આંખ પર ઘાતકી દોરીથી ઇજા
થોડા દિવસ માટે સ્પીડમાં બાઇક ન ચલાવવા તંત્રની અપીલ : સિવિલ હોસ્પિટલનો સ્ટાફ ખડેપગે રહયો
રાજકોટમાં ઉત્તરાયણનો તહેવાર લોહિયાળ બન્યો હતો.દોરીથી 45 લોકોના ગાળા કપાયા છે.જ્યારે શહેરમાં 15 લોકો પતંગ ઉડાવતી વેળાએ અગાસી પરથી પટકાયા હોવાની ઘટના બની છે.
જ્યારે એક વિધાર્થી સહિત ત્રણ લોકોના મોત થયા હતા.શહેરમાં અનેક જગ્યાએ અઘટીત બનાવો બનતા ઈમરજન્સી સેવા માટે 108 એમ્બ્યુલન્સ સતત દોડી રહી છે.તંત્રએ આ પરિસ્થિતિને ધ્યાને લઈને લોકોને બાઈક પર બહાર ન નીકળવા અને જો બહાર નીકળ્યા જ હોય તો થોડા દિવસ માટે સ્પીડમાં બાઈક ન ચલાવવા અપીલ કરવામાં આવી છે.
મળતી વિગતો એવી છે કે,બેડલા ગામે રહેતો પ્રકાશ જયસુખ સરેશિયા નામનો 28 વર્ષનો પ્રજાપતિ નામનો યુવાન ગઈકાલે બપોરના સમયે પોતાનું બાઈક લઈને કુવાડવા રોડ મેંગો માર્કેટ પાસેથી પસાર થતો હતો.ત્યારે તેમના ગળા પર દોરી આવી જતા લોહી લુહાણ હાલતમાં ઘટના સ્થળે જ ઢળી પડ્યો હતો અને તેમનું ત્યાં જ મોત નીપજ્યું હતું.
આ અંગે બી ડીવીઝન પોલીસના એએસઆઈ કે.સી.સોઢા અને સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને યુવાનના મૃતદેહને સિવિલ હોસ્પિટલે પોસ્ટમોર્ટમમાં ખસેડવામાં આવ્યો હતો.પ્રકાશ બે ભાઈમાં નાનો અને તેમને કારીયાણાંની દુકાન હતી તેમજ ગઈકાલે ઉત્તરાયણ હતી એટલે નવાગામ દિવેલીયાપરામાં રહેતા તેમના મોટાભાઈ દિપકને ત્યાં આવ્યો હતો અને બપોરે તે ત્યાંથી બેડલા જવા રવાના થતો હતો ત્યારે આ ઘટના બની હતી.
બીજી ઘટનામાં મવડી ઓવરબ્રિજ પરથી પસાર થતા 22 વર્ષના મિહિર સોંડાગરના ગળામાં પતંગની દોરી આવતા તેનું ગળું કપાયું હતું અને સ્કૂટર પરથી ઢળી પડ્યો હતો.
ગળામાંથી લોહી વહેતું જોતા લોકોએ તેને હોસ્પિટલ ખસેડ્યો હતો.
લોહી વધારે પડતું વહી જવાના કારણે યુવાનનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને યુવાનની હાલત હાલમાં ગંભીર હોવાનું જણાય આવ્યું છે.મકરસંક્રાંતિ આવતા આવી ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે પણ આ કિસ્સામાં ગંભીર બાબત એ છે કે યુવાનનું લોહી વહી રહ્યું હતું અને તરફડિયા મારતો હતો પણ 16 મિનિટ સુધી લોકોએ ફોટો અને વીડિયો ઉતાર્યા કોઇએ એમ્બ્યુલન્સને જાણ કરી ન હતી.
એક જાગૃત નાગરિક ત્યાં પહોંચ્યા એટલે તેમણે 108ને જાણ કરી હતી અને સાથે જ તેને ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો.
ઘવાયેલો મિહિર પરેશભાઈ સોંડાગર નામનો 22 વર્ષનો યુવાન પોતાના પિતા સાથે ફેબ્રિકેશનની દુકાન ધરાવે છે અને સામાન લેવા ગયો હતો ત્યારે પરત ફરતી વેળાએ ઘટના બની છે.આમ ગઈકાલે મકરસંક્રાંતિમાં 108 સતત દોડતી રહી હતી.
યુવાનનું ગળું કપાયું ત્યારે લોકોએ 108ને જાણ કરવાને બદલે 16 મિનિટ સુધી વીડિયો ઉતાર્યો!
મવડી પાસેની ઘટનામાં 16 મિનિટ બાદ એક જાગૃત નાગરિક સ્થળ પર પહોંચ્યા અને દૃશ્ય જોતા જ તેમણે 108ને જાણ કરી હતી.11:26 વાગ્યે ફોન કર્યો હતો. 11:28 વાગ્યે એમ્બ્યુલન્સ સ્થળ પર જવા રવાના થઈ હતી. જોકે લોહી વધુ વહી જતાં 108ની પણ રાહ ન જોઈ અને જાગૃત નાગરિકોએ તેને 150 ફૂટ રિંગ રોડ પર આવેલી ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. 11:33 મિનિટે એમ્બ્યુલન્સ સ્થળ પર પહોંચી હતી. પણ દર્દી ત્યાં ન હોવાથી પરત ફરી હતી.કોઇ ઘટના બને તેમાં સૌથી પહેલાં તંત્રને જાણ કરવી તે પ્રાથમિકતા છે તેને બદલે વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં મુકવાની ઘેલછા આ કિસ્સામાં સામે આવી હતી.
તંત્ર દ્વારા ચેકિંગ છતાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરી અને કાચથી પવાયેલી દોરીથી ધુમ પતંગો ચગી!
ગુજરાત હાઈકોર્ટે શુક્રવારે કહ્યું હતું કે ચાઈનીઝ દોરી તેમજ કાચ ચઢાવેલી કોટનની દોરી, જે પતંગ ચગાવવા માટે વપરાય છે એ નાગરિકો, પક્ષીઓ અને પશુઓ માટે ખૂબ જ ખતરનાક છે એટલે તે 14 અને 15 જાન્યુઆરીના ઉજવવામાં આવનાર ઉત્તરાયણમાં નહીં વાપરી શકાય.આમ છતાં આ મકરસંક્રાંતિના રોજ ચાઈનીઝ દોરી અને કાચથી પવાયેલી દોરીનું ખૂબ વેંચાણ થયું હતું અને જેને લઇ શહેરમાં ઘણા લોકો આવી પ્રતિબંધિત દોરીને લીધે ઇજાનો ભોગ બન્યા હતા.
પતંગ ઉડાવતી વેળાએ ત્રીજા માળેથી નીચે પટકાતાં ધો.5ના વિધાર્થી અને યુવાનનું મોત
ઘંટેશ્વરના બ્રહ્મનાથ સોસાયટી શેરી.6માં રહેતા અને ક્રિષ્ટલ સ્કૂલમાં ધો.5માં અભ્યાસ કરતા કશ્યપ વિવેકભાઈ ચંદ્રા (ઉ.10) ગઈકાલે પતંગ ચગાવતો હતો ત્યારે અચાનક બીજા માળેથી નીચે પટકાતા તેનું મોત નીપજ્યું હતું.તેમના પિતા વેપાર કરે છે.તેમજ એકના એક પુત્ર કશ્યપના મોતથી પરિવાર માં શોક છવાયો છે.તેઓ મૂળ જામનગરના વતની હતા.તેમજ બીજી ઘટનામાં જંગલેશ્વર શેરી.29માં રહેતા અયાનખાન સહેજાદખાન પઠાણ(ઉ.18)નામનો યુવાન ગઈકાલે પોતે ઉદ્યોગ પ્રોટેક્ટર પેકેજીંગ નામના કારખાને બીજા માળે પતંગ ચગાવતો હતો ત્યારે તેમનું નીચે પટકાતા ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં તેમનું મોત નીપજ્યું હતું.