મહારાષ્ટ્રમાં 145 થી 155 બેઠક સાથે ફરી બનશે મહાયુતિ સરકાર
આવતીકાલે પરિણામો પહેલાં ભાજપના રાજકીય રણનીતિકાર હિરેન ઘેલાણીનો છાતી ઠોકીને દાવો, ભાજપ એકલા હાથે 90થી 95 બેઠકો મેળવશે
કાઠિયાવાડી યુવાને મહારાષ્ટ્રમાં આરએસએસ સાથે રહી 36 દિવસમાં 9.63 કરોડ મતદારો સુધી પહોંચવા કરેલા માઇક્રો પ્લાનિંગની રસપ્રદ વાતો
મહારાષ્ટ્ર વિધાનસભાની 288 બેઠકોની ચૂંટણીના આવતીકાલે પરિણામો આવનાર છે તે પૂર્વે ભાજપની આગેવાની વાળી મહાયુતી સરકાર રીપીટ થશે કે વિપક્ષી ગઠબંધન મહાવિકાસ અઘાડી ફાવી જશે તે અંગે રાજકીય પંડિતોમાં અલગ અલગ મત મતાંતરો પ્રવર્તિ રહયા છે અને એકઝિટ પોલના અગડમ બગડમના કારણે લોકો પણ ગોટે ચડયા છે. ત્યારે મહારાષ્ટ્ર ભાજપના રણનિતિકાર કાઠિયાવાડી યુવાન હિરેન ઘેલાણીએ ‘ગુજરાત મિરર’ની મુલાકાત દરમિયાન મહારાષ્ટ્રમાં ભાજપની આગેવઆનીવાળી મહાયુતિને 145 થી 155 બેઠકો મળવાનો છાતી ઠોકીને દાવો કર્યો છે. સાથોસાથ મહાયુતિ સરકાર ફરી એક વખત મહારાષ્ટ્રમાં સત્તાના સુત્રો સંભાળશે તેવુ જણાવ્યું હતું.
મહારાષ્ટ્રમાં લોકસભાની ચૂંટણી બાદ ભાજપ માટે ધારાસભાની ચૂંટણી જીતવી મોટો પડકાર હતી. તેવા સમયે મહારાષ્ટ્ર ભાજપે મુળ ગોંડલ તાલુકાના શિવરાજગઢના માત્ર 38 વર્ષના યુવાન હિરેન ઘેલાણીને મહારાષ્ટ્રમાં ભાજપને જીતાડવા માટે સચોટ વ્યુહરચના ઘડવાની જવાબદારી સોંપી હતી. ‘ગુજરાત મિરર’ની મુલાકાતે આવેલા હિરેન ઘેલાણીએ ‘ગુજરાત મિરર’ના તંત્રી સંજય પટેલ સમક્ષ મહારાષ્ટ્રમાં પોતે 36 દિવસ સુધી કરેલા કેમ્પ દરમિયાન મતદારોને ભાજપ તરફી વાળવા માટે કેવી વ્યુહરચના અપનાવી હતી તે અંગે રસપ્રદ વિગતો રજુ કરી હતી.
આઇ.ટી. અને મેનેજમેન્ટમાં પીએચ.ડી. સુધી ભણેલા અને 4 માસ્ટર ડિગ્રી ધરાવતા મહારાષ્ટ્ર ભાજપના પોલિટીકલ એડવાઇઝર હિરેન ઘેલાણીએ જણાવ્યું હતું કે સૌ પ્રથમ તો મહારાષ્ટ્રના મતદારોના મગજમાંથી લોકસભાની ચૂંટણી સમયે ઘર કરી ગયેલો બંધારણ બદલવાનો નેરેટીવ દુર કરવાનો પડકાર અમારા માટે હતો. આ માટે અમે ભાજપના વિવિધ પાંચ પ્રાંતમાં જ્ઞાતિ, વિકાસ અને રાષ્ટ્રીય સ્વયંમ સેવક સંઘના પ્લાનીંગ મુજબ કામ કર્યુ હતું. જે વિસ્તારોમાં જ્ઞાતિના સમિકરણો ઉપયોગી થાય તેમ હતા ત્યાં જ્ઞાતિ લેવલે પ્લાનીંગ કર્યુ હતુ. જયારે શિક્ષિત વિસ્તારોમાં વિકાસનો મુદ્દો આગળ ધર્યો હતો. તો મુસ્લિમ વિસ્તારોમાં સંઘના પ્લાનીંગ મુજબ કામ કર્યુ હતું.
તેમણે જણાવેલ કે મહારાષ્ટ્રના તમામ બુથ ઉપર 3-3 કેપ્ટન નિમવામાં આવ્યા હતાં. આ કેપ્ટનોને તેના બુથમાં આવતા અંદાજીત 1000 જેટલા તમામ મતદારોનો રૂબરૂ સંપર્ક કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. આ માટે બુથ મેપિંગ સિસ્ટમ અમલી બનાવાઇ હતી. આ પદ્ધતિથી મહારાષ્ટ્રના તમામ 9.63 કરોડ મતદાર સુધી ભાજપને ફેસ-ટુ-ફેસ પહોંચાડવામાં સફળતા મળી છે. મતદારો સુધી પહોંચવા માટે ટેકનોલોજીનો પણ ભરપુર ઉપયોગ કરવામાં આવ્યો છે. બુથ કેપ્ટન કયા મતદારને કયા સ્થળે અને કેટલા વાગ્યે મળ્યો તેનું રેકોર્ડિંગ સાથે સચોટ મોનીટરીંગ કરવામાં આવ્યુ હતું.
કેપ્ટન દ્વારા મતદારોની મુલાકાત દરમિયાન ઉદ્ભવેલા પ્રશ્ર્નોના નિરાકરણ માટે પણ ક્રોસ કાઉન્ટર સિસ્ટમ અપનાવઇ હતી. ઉદ્યોગકારો તેમજ સમાજના પ્રથમ દરજજાના નાગરિકો બ્રોડકાસ્ટીંગ દ્વારા મતદારોને તેના પ્રશ્ર્નો કઇ રીતે ઉકેલાશે તે અંગે માહિતગાર કરતા હતાં. આ સિવાય મતદારોનો સંપર્ક કરવા માટે તેના સગા-સબંધીઓનું લીસ્ટ પણ અલગથી બનાવી સગા-સબંધીઓ મારફત મતદારો સુધી ભાજપની વાત પહોંચાડવામાં આવી હતી. આ ઉપરાંત મતદાનના દિવસે મતદારનો મત પડયો કે નહીં તેનું પણ સચોટ મોનીટરીંગ કરવામાં આવ્યું હતું. હિરેન ઘેલાણીએ દાવો કર્યો હતો કે અમે મહારાષ્ટ્રમાં ભાજપના કમિટેડ મતદારો માટે ગ્રુપ-એ અને ભાજપ સમર્થિત મતદારો માટે ગ્રુપ-બી બનાવ્યા હતાં. આ બંને ગ્રુપોમાં અમે 75% મતદાન ભાજપ તેમજ સાથી પક્ષો તરફી કરાવવામાં સફળ રહયા છીએ. દરેક બેઠક ઉપર ભાજપને કેટલા મત મળશે અને કેટલી લીડ મળશે તે સહીતનો આંતરીક સર્વે પાર્ટીએ કરાવ્યો છે. તેના આધારે સ્પષ્ટ થયું છે કે મહારાષ્ટ્રમાં ભાજપ મહાયુતિને 145 થી 155 બેઠકો મળશે.
હિરેન ઘેલાણી વિશે પણ જાણો
માત્ર 38 વર્ષની ઉંમરે મહારાષ્ટ્ર જેવા મહત્વના રાજયમાં ભાજપના રાજકિય રણનિતિકાર જેવી મોટી જવાબદારી સંભાળતા ડો. હિરેન ઘેલાણી મુળ ગોંડલ તાલુકાના શિવરાજગઢના વતની છે અને હાલ રાજકોટ તથા મુંબઇને હેડકવાટર બનાવી કાર્ય કરી રહયા છે. ડો. હિરેન ઘેલાણી 2017 થી ભાજપ સાથે જોડાયા હતાં. ત્યારબાદ 2021 માં ગોવાની ચૂંટણીમાં મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ફડણવીશે ડો. હિરેન ઘેલાણીને રણનિતીની જવાબદારી સોંપી હતી. તેમાં સફળતા મળતા આ ચૂંટણીમાં મહારાષ્ટ્રમાં જવાબદારી સોંપી હતી. જયારે મહારાષ્ટ્રમાં આગામી દિવસોમાં આવનાર નગરપાલિકા અને મહાનગરપાલિકાઓની ચૂંટણીની જવાબદારી પણ ભાજપ દ્વારા ડો. હિરેન ઘેલાણીને સોંપવામાં આવી છે. 2022માં તેમને ગુજરાત સરકાર દ્વારા ‘પર્સ્યુટ ઓફ સકસેસ’નો એવોર્ડ મુખ્યમંત્રીના હસ્તે અપાયો હતો.