વેરાવળની હરસિધ્ધી સોસાયટીમાં પ્રેમી યુગલનો ગળેફાસો ખાઇ આપઘાત
વેરાવળ શહેરમાં પ્રેમ પ્રકરણમાં દુખદ ઘટના બની છે. પરણિત યુવક અને યુવતીએ અત્રેની હરસિધ્ધિ સોસાયટી પાસે સજોડે ગળેફાંસો ખાધો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં પ્રેમ પ્રકરણને કારણે બંનેએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.વેરાવળ શહેરની હરસિધ્ધિ સોસાયટી પાસે આજે વહેલી સવારે સોસાયટીના છેવાડાના ભાગે આવેલી અવાવરૂૂ જગ્યામાં એક યુવક અને યુવતીના મૃતદેહ ઝાડ પર લટકતા મળી આવ્યા હતા. સ્થાનિક લોકોએ આ અંગે તરત જ પોલીસને જાણ કરી હતી. ઘટનાની માહિતી મળતાં વેરાવળ સીટી પોલીસના પી.એસ.આઇ. જી.એન.કાછડ સહિતનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વેરાવળ સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યા હતા.
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક યુવક-યુવતીની ઓળખ મેળવતા યુવક કમલેશ કિશનભાઈ ભારાવાલા ઉં.વ.29 અને તે પરણિત હોય જયારે યુવતીની ઓળખ નંદની વેલજીભાઈ કુહાડા ઉં.વ.20 તરીકે થઈ છે. પોલીસે બંને મૃતકોના પરિવારજનોને જાણ કરી છે. પ્રાથમિક તપાસમાં પ્રેમ પ્રકરણને કારણે બંનેએ આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી છે.