રાજકોટ સહિત રાજ્યના 40,000 ઇંટોના ભઠ્ઠામાં કરોડોનું નુકસાન
માવઠાથી ઇંટ ઉત્પાદકો પર રૂા.450 કરોડનું આર્થિક ભારણ વઘ્યું: વહેલી તકે સરવે કરાવી વળતર ચૂકવવા સૌરાષ્ટ્ર કચ્છ ઇંટ ઉત્પાદક સંઘ અને ગુજરાત બ્રિકસ મેન્યુફેકચરર્સ ફેડરેશન દ્વારા સરકારમાં રજૂઆત
જીએસટીના દર ફરીથી 5 ટકા કરવા માગણી, 12 ટકા કરથી ઉદ્યોગની કમર ભાંગી હોવાની રાવ
તાજેતરમાં કમોસમી વરસાદને લીધે સૌરાષ્ટ્રના ઇંટ ઉત્પાદકોને કરોડો રૂપિયાની નુકસાની આવેલ છે. તેથી તે આર્થિક રીતે બેહાલ થય ગયેલ છે. ઇટભઠ્ઠા ધારકોને આર્થિક સહાય આપવા સરકારને સર્વે કરી વળતર ચૂકવવા માંગ કરી છે. ઉત્પાદન કરતા ઇટભઠ્ઠા ધારકો તેની રોજી રોટી ચાલુ રાખી શકે. તેમાટે વહેલી તકે સર્વે કરવા માંગ ઉઠી છે.
સમગ્ર ગુજરાતમાં સ્થાપિત 2500 મોટા ચીમની ભઠ્ઠા તથા 40,000 જેટલા નાના હાથ ભઠ્ઠી દ્વારા ઈંટી બનાવીને પકવતા ઈંટ ઉત્પાદકોને અંદાજે 450 કરોડનું મોટુ નુકસાન હોવાની વાત ગુજરાત બ્રિક્સ મેન્યુફેક્ચરર્સ ફેડરેશને કરી છે.
ફેડરેશનના પ્રમુખ દેવેન્દ્રભાઈ પ્રજાપતિએ જણાવ્યું છે કે વર્ષ 2021માં 17 અને 18 મેના દિવસે તાઉતે વાવાઝોડું આવ્યું હતું એના કારણે ઈંટ ઉત્પાદકોને પણ ભારે નુકસાન થયું હતું. હવે 2025માં પણ 6થી 10 મે વચ્ચે કમોસમી વરસાદ અને વાવાઝોડુ આવ્યું હતું. આવી સ્થિતિમાં વર્ષ 2021 કરતા પણ વધારે નુકસાન આ વર્ષે થયું છે. એટલું જ નહીં કાચામાલનું પણ વધારે પ્રમાણમાં ધોવાણ થઈ ગયું છે તથા ઈંટ ઉત્પાદન પણ વહેલું બંધ થઈ ગયું છે. આ સમયગાળા દરમિયાન શરૂૂઆતમાં અન્ય રાજ્યમાંથી આવતા મજૂરો મોડા આવતા અને વરસાદને લીધે પણ વહેલુ ઉત્પાદન બંધ થવાથી કુલ ઉત્પાદનમાં 40થી 45 ટકા સુધીનું જ કામ થયું છે.
ગુજરાત જ નહીં દેશભરમાં ઈંટ ઉદ્યોગની વાત કરીએ તો એ રેલવે પછી બીજા ક્રમે કારીગરોને રોજગારી પૂરી પાડતો લઘુ તથા કુટીર ઉદ્યોગ છે. આ દેશભરમાં કરોડો મજુરોને રોજગારી પુરી પાડે છે. ગુજરાતમાં પણ 7થી 8 લાખ મજુરો રોજગારી પૂરી પાડતો ઉદ્યોગ આજે સદંતર ઠપ થઈ ગયો છે તેમજ લાખો માણસોની રોજગારી છીનવાઈ ગઈ છે.
સમગ્ર દેશમાં ઈંટ ઉદ્યોગ દ્વારા કરોડો ગ્રામીણ કામદારોને સરકારનાં મીનીમમ વેજ કરતા વધારે રોજગારી પુરી પાડતા લઘુ ઉદ્યોગ હોવા છતા તેના પર જીએસટીના દર પહેલા 5% હતા તે 12% કરવામાં આવ્યા છે. આનાથી પણ આ ઉદ્યોગની કમર તૂટી ગઈ છે. તેમાં વરસાદ, કમોસમી વાવાઝોડા અને અન્ય કુદરતી આફતોના કહેરથી આ ઉદ્યોગમાં ખૂબ મોટા પ્રમાણમાં નુકાસન ભોગવવાનો વારો આવ્યો છે. મારી રાજ્ય સરકારને નમ્ર અરજી છે કે જીએસટીના દર 12% ઘટાડી જે પહેલા 5% હતા તે મુજબ કરવા કેન્દ્ર સરકારને અપીલ કરે.
વાર્ષિક જોવા જઈએ તો ઈંટ ઉદ્યોગ થકી રોયલ્ટી, રેવન્યુ અને જીએસટી કલેક્શનથી સ્ટેટ ગવર્નમેન્ટને પણ કરોડો રૂૂપિયાની આવક થાય છે. એટલું જ નહીં ગુજરાતમાં આવેલા ઈંટ ભઠ્ઠાઓ અંદાજે 7થી 8 લાખ મજુરોને રોજગારી આપતો લઘુ ઉદ્યોગ છે. જેને ધ્યાનમાં રાખતા ફેડરેશને વિનમ્ર વિનંતી કરી છે કે અમારા યોગદાનને સમજો અને પોલિસી લેવલ પ્રોટેક્શન ઈંટ ઉત્પાદકોને આપો. ગુજરાતના હજારો ઈંટ ઉત્પાદકો અત્યારે કટોકટીનો સામનો કરી રહ્યા છે.
તેમના વ્યવસાયો બરબાદ થઈ ગયા છે અને તેમના કામદારો આજીવિકા વિનાના છે. દેવેન્દ્રભાઈ પ્રજાપતિએ કહ્યું, અમે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારને વિનંતી કરીએ છીએ કે તેઓ વારંવાર થતી કુદરતી આફતો અને નિયમનકારી બોજના ભારણ હેઠળ આ મહત્વપૂર્ણ ઉદ્યોગ તૂટી પડે તે પહેલાં તેને ટેકો આપવા માટે ઝડપથી અને કરુણાપૂર્વક કાર્ય કરે. તેમણે ગુજરાતના ઈંટ ઉદ્યોગના લાંબા ગાળાના અસ્તિત્વ અને વિકાસ માટે ટકાઉ ઉકેલો શોધવા માટે સરકાર સાથે કામ કરવાની ફેડરેશનની પ્રતિબદ્ધતાને પુન:પુષ્ટિ કરીને રજૂઆત કરી હતી.
ઈન્સ્યોરન્સ પોલિસીનો લાભ મળે એવી અપીલ
ફેડરેશનને જણાવ્યું હતું કે ઈંટ ઉદ્યોગ દ્વારા વર્ષોથી વીમા કંપનીને વરસાદથી થતા નુકસાન સામે વિમા કવરેજ પોલિસીની જોગવાઈ કરવાની પણ માગણી કરવામાં આવી છે. જોકે હજુ સુધી આ સંદર્ભે કોઈપણ નિર્ણય લેવામાં આવ્યો નથી. તેમણે એવું પણ ઉદાહરણ આપ્યું હતું કે જેમ ખેડૂતોને કમોસમી વરસાદ કે પૂરની સ્થિતિમાં પાક નષ્ટ થઈ જાય તો એના માટે ક્રોપ ઈન્સ્યોરન્સ હોય છે એમ અમારા ઈંટ ઉદ્યોગમાં પણ આવી પોલિસી આવવી જોઈએ.
અગાઉની નુકસાનીનું વળતર પણ હજુ ચૂકવાયુ નથી
સૌરાષ્ટ્ર કચ્છ ઇંટ ઉત્પાદક સંઘના હોદેદારોએ જણાવ્યુ હતુ કે, તોકતે વાવાઝોડામાં પણ ઇંટ ઉદ્યોગનું ધોવાણ થયુ હતુ. અને કરોડોનુ નુકસાન થયુ હતુ. જેનુ વળતર ચૂકવવા માંગ કરાઇ હતી. જેના સર્વે કર્યા બાદ આજે પણ વળતર ચૂકવવામાં આવ્યું નથી.
AAC બ્લોકની ઘણી ફેક્ટરીઓ ઉઠે તેવી શક્યતા
રીયલ એસ્ટેટમાં મંદી વચ્ચે ભાવ અને ડિમાન્ડ બંને તળિયો, 35 કરોડના રોકાણની ફેક્ટરીઓમાં માર્જીન પણ તૂટ્યા
રાજ્યમાં ઓટોક્લેવ્ડ એરેટેડ કોંક્રિટ (AAC ) બ્લોકના ઉત્પાદકો વધુ પડતા પુરવઠા અને ઓછી માંગને કારણે બજારમાં ભારે મંદીનો સામનો કરી રહ્યા છે. અમદાવાદ અને તેની આસપાસ 38 અને રાજ્યમાં 60થી વધુ ઉત્પાદન એકમો છે. જેની ઉત્પાદન ક્ષમતા 22,000 ક્યુબિક મીટર પ્રતિ દિવસ છે જ્યારે માંગ માત્ર 6,000 ક્યુબિક મીટર છે.આના કારણે ભાવમાં ભારે ઘટાડો થયો છે, જે 2021-22માં પ્રતિ ક્યુબિક મીટર રૂ.4,900 થી આ વર્ષે હોળી પછી રૂ.3,000 થઈ ગયો છે. ગુજરાત AAC બ્લોક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (GAMA) માને છે કે નજીકના ભવિષ્યમાં બજારમાં એકીકરણ થશે. ગુજરાત AAC બ્લોક મેન્યુફેક્ચરર્સ એસોસિએશન (GAMA)ના ખજાનચી સુરેશ બડગુજરે જણાવ્યું હતું કે, રિયલ એસ્ટેટમાં તરલતાની કટોકટી જોવા મળી રહી છે, અને તેના કારણે, AAC બ્લોક ઉત્પાદકો માટે ચુકવણી ચક્ર હવે છ મહિના સુધી લંબાય છે. મોટાભાગના એકમો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.
ઉદ્યોગના આંતરિક સૂત્રોએ જણાવ્યું હતું કે કેટલાક એકમો માલિકી બદલાઈ શકે છે અને મોટા ભાગની ફેક્ટરીઓ લોનના હપ્તા ચૂકી જવાની શક્યતા છે. આ ક્ષેત્ર, જેણે 2012ની આસપાસ પ્રસિદ્ધિ મેળવી હતી અને હાલમાં ઉચ્ચ-ઉદય બાંધકામમાં 90% થી વધુ બજાર હિસ્સો ધરાવે છે, તે એકીકરણ તરફ આગળ વધી રહ્યું છે. બાવળા નજીક તેમનો ત્રીજો પ્લાન્ટ હસ્તગત કરવા જઈ રહેલા એક અગ્રણી ઉત્પાદન કંપનીના એમડી ઉત્તમ પટેલે જણાવ્યું હતું કે, પ્રતિ યુનિટ રૂ.35 કરોડના રોકાણ સાથે, ઉદ્યોગ નીચા માર્જિનની સ્થિતિ તરફ આગળ વધી રહ્યો છે.