ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવવિધિ સંપન્ન
મામાના ઘરેથી નિજ મંદિરે પધાર્યા ભગવાન, મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શને ઉમટયા
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ફુલોથી સજાવેલી ખુલ્લી જીપમાં રથયાત્રાના રૂટનું કર્યું નિરીક્ષણ
બુધવારે ભગવાન સરસપુર મામાના ઘરેથી નિજ મંદિરે પરત ફર્યા છે. ભગવાન મામાના ઘરે પરત ફરતા તેમને આંખો આવી હોવાથી આજે નેત્રોત્સવ વિધિ કરવામાં આવી હતી. ભગવાન જગન્નાથનો નેત્રોત્સવ અત્યંત ભક્તિમય માહોલમાં સંપન્ન થયો, જ્યાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ દર્શનનો લાહવો લીધો. મોસાળથી પરત ફર્યા બાદ ભગવાન જગન્નાથને તેમના ગર્ભગૃહમાં આવેલી રત્નવેદી ઉપર ફરીથી પ્રતિષ્ઠિત કરવામાં આવ્યા.
આ પવિત્ર વિધિ બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ શહેર પોલીસ કમિશનરના ઉચ્ચ અધિકારીઓ સાથે રથયાત્રાના રૂૂટનું નિરીક્ષણ કર્યું હતું. જમાલપુરથી ખમાસા સુધીના રૂૂટ પર ભયજનક મકાનો અને પોલીસ બંદોબસ્ત અંગે માહિતી મેળવી અને આ દરમિયાન જમાલપુર વૈશ્ય સભા, મુસ્લિમ સમાજના આગેવાનો, શાંતિ સમિતિના સભ્યો, અને કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા દ્વારા તેમનું ફૂલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું.
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જમાલપુર જગન્નાથ મંદિરથી ખમાસા ચાર રસ્તા સુધી રૂૂટ ઉપર ચાલતા નિરીક્ષણ કર્યું હતું. ખમાસા ચાર રસ્તાથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, શહેર ભાજપ પ્રમુખ પ્રેરક શાહ અને રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય રંગબેરંગી ફૂલોથી સજાવેલી ખુલ્લી જીપમાં રથયાત્રાના રૂૂટ ઉપર આગળ વધ્યા હતા. ખુલ્લી જીપમાં પાછળ 50થી વધુ ગાડીઓનાં કાફલા સાથે હર્ષ સંઘવી દ્વારા રથયાત્રા રૂૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. રથયાત્રા રૂૂટ ઉપર નિરીક્ષણના કારણે જમાલપુર ખમાસા ચાર રસ્તા પ્રિન્સિપલ કોર્પોરેશન ઓફિસ અને આસ્ટોડિયા દરવાજા પાસે ટ્રાફિકજામ જોવા મળ્યો હતો.
ઓફિસ જનારા લોકોને ટ્રાફિકના કારણે મોડું થયું હતું.અમદાવાદના સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિરમાં આજે સવારે ભગવાનના નેત્રોત્સવની વિશેષ પૂજા વિધિ સંપન્ન થઈ હતી. ભગવાનને રત્નવેદી પર બિરાજમાન કરાયા બાદ, વૈદિક મંત્રોચ્ચાર સાથે તેમની આંખો પર પાટા બાંધવાની વિધિ કરવામાં આવી. લોકવાયકા અનુસાર, મામાના ઘરેથી પરત ફરતી વખતે ભગવાનને આંખો આવી ગઈ હતી, જેના નિવારણ રૂૂપે આ નેત્રોત્સવ વિધિ કરવામાં આવે છે. આ વિધિ પૂર્ણ થયા બાદ, સવારે 9:30 કલાકે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આ શુભ પ્રસંગે રાજ્યના મંત્રી ઋષિકેશ પટેલ, બળવંતસિંહ રાજપૂત, હર્ષ સંઘવી અને અમદાવાદના મેયર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આજના કાર્યક્રમમાં સવારે 11 વાગ્યે ભારતભરમાંથી પધારેલા સાધુસંતોનું સન્માન કરવામાં આવ્યું, જેમાં પૂર્વ મુખ્યમંત્રી નીતિન પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.