રૂડાના 48 ગામોમાં પીવાના પાણી માટે લાંબા ગાળાનું આયોજન કરાશે
જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુવરજીભાઈ બાવળીયાએ રૂૂડા હેઠળ આવતા 48 ગામોમાં ઓજી વિસ્તારમાં પીવાના પાણીની વ્યવસ્થા અંગે સમીક્ષા બેઠક યોજી લોકોને પીવાના પાણીની મુશ્કેલી ન રહે તે માટે લાંબા ગાળાનું સુનિયોજિત આયોજન કરવા તેમજ પાણી પુરવઠા યોજના હેઠળ વિવિધ તાલુકાના ગામોમાં પાણી વ્યવસ્થાપન અંગે વિગતે માહિતી મેળવી જરૂૂર પડ્યે રાજ્ય સરકાર દ્વારા તમામ સાધન સુવિધા મળી રહેશે તેની ખાત્રી ઉચ્ચારી અધિકારીઓને લાંબા ગાળાનું આયોજન કરવા જણાવ્યું હતું.
રાજકોટ શહેરી સત્તા મંડળ ( રૂૂડા) ના ચેરમેન તુષાર સુમેરાએ હાલની પરિસ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજકોટ તાલુકાના 30 ગામ, લોધીકા તાલુકાના 10 ગામ, પડધરી તાલુકાના 6 ગામ અને કોટડા સાંગાણી તાલુકાના 2 ગામોનો રૂૂડામાં સમાવેશ થાય છે. જેમાં જી.ડબ્લ્યુ.એસ.એસ.બી. દ્વારા જૂથ યોજના હેઠળ પાણી પુરવઠો પૂરો પાડવામાં આવે છે.
હાલની સ્થિતિએ બલ્ક વોટર સપ્લાય સ્કીમ અંતર્ગત પ્રથમ ફેઝમાં રાજકોટ તાલુકાના 15, પડધરી તાલુકાના 5 તેમજ લોધીકા તાલુકાના 2 ગામો મળી કુલ 20 ગામોમાં અમલીકરણ થઈ ચૂક્યું છે. બીજા ફેઝમાં લોધીકા તાલુકાના અન્ય 15 ગામોમાં લોધીકા જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ કામગીરી ચાલી રહી છે. ત્રીજા ફેઝમાં 8 ગામમાં ડી.પી.આર. કામગીરી પ્રગતિ હેઠળ છે. જયારે બાકી રહેતા રૂૂડા હેઠળના પાંચ ગામોમાં પાણી પુરવઠા યોજનામાં સામેલ કરવા માટે જરૂૂરી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જયારે ઓજી વિસ્તારોમાં વિકસતા રહેણાંક ઝોનમાં પાણી પુરવઠા માટે માત્ર બોર જ સ્ત્રોત હોય છે, આવા વિસ્તારોમાં ટેન્કર મારફત પાણી સપ્લાય કરવામાં આવે છે. તેમ ચેરમેને પૂરક માહિતી આપતાં જણાવ્યું હતું.આ બેઠકમાં રૂૂડાના સી.ઈ.ઓ જી.વી.મિયાણી, પાણી પુરવઠાના કાર્યપાલક ઈજનેર અમિત ગોહિલ, સિંચાઈ, વાસ્મો સહીત સંબંધિત વિભાગના અધિકારીશ્રી ઉપસ્થિત રહ્યા હતા.