રાજ્યસભાના નામો જાહેર થતાં લોકસભાના સમીકરણો બદલાયા
- ભાજપના બે કદાવર નેતા મનસુખ માંડવિયા અને પરસોત્તમ રૂપાલાને લોકસભા લડાવાય તેવી શક્યતા
- રાજકોટ-પોરબંદર-ભાવનગર અને અમરેલી બેઠકના સમીકરણો રાતોરાત બદલી ગયા, સુરત બેઠક પણ ચર્ચામા
ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકોના ઉમેદવારો જાહેર કરીને ભાજપે સૌને ચોંકાવી દીધા છે. રાજ્યસભામાં ગુજરાતના બે દિગ્ગજ પાટીદાર મંત્રીઓ ડો. મનસુખ માંડવિયા અને પરસોતમભાઈ રૂપાલાને રિપીટ કરવામાં નહીં આવતા લોકસભાની ચુંટણીના સમિકરણો પણ બદલી ગગયા છે. આ બે મોટા નેતાઓનું હવે શું થશે? બન્નેને લોકસભા લડાવાશે કે સંગઠનમાં બન્નેની સેવા લેવાશે કે પછી ગુજરાતના રાજકારણમાં બન્નેનો ઉપયોગ કરવામા આવશે? તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે.
બીજી તરફ આ બન્ને નેતાઓ રીપિટ નહીં થતા સૌરાષ્ટ્રની રાજકોટ, અમરેલી, ભાવનગર અને પોપરબંદર એમ ચાર લોકસભા બેઠકોના સમિકરણો બદલાઈ ગયા છે.ડો. મનસુખ માંડવિયા તેમજ પરસોતમ રૂપાલાને લોકસભા લડાવાય તેવી પહેલેથી જ ચર્ચા થતી હતી પરંતુ કઈ બેઠક ઉપરથી લડાવાશે તે અંગે સસ્પેન્સ યથાવત છે. તેમજ બન્ને પાટીદાર સમુદાયમાંથી આતા હોવાથી કડવા-લેઉવાના સમિકરણો પણ ધ્યાને લેવાઈ રહ્યા છે.
ડો. મનસુખ માંડવિયા ભાવનગર જિલ્લાના પાલિતાણા પંથકના હોવાથી ભાવનગર બેઠક ઉપરથી તેમને લડાવાય તેવો પ્રથમ તર્ક રજુ થાય છે. આ ઉપરાંત તેમનું નામ રાજકોટ કે, પોરબંદર બેઠક માટે પણ ચર્ચાય છે વિકલ્પે અમુક લોકો સુરત બેઠક ઉપર પણ તેમનું નામ લ્યે છે.
જ્યારે પરસોતમ રૂપાલા અમરેલી જિલ્લાના વતની છે પરંતુ અમરેલી-રાજકોટ અને પોરબંદર લોકસભા મત વિસ્તારોમાં લેઉવા પટેલોની બહુમતિ હોવાથી રૂપાલાને આ ત્રણમાંથી કઈ બેઠક ઉપર લડાવવા તે ભાજપ હાઈકમાન્ડ માટે ચિંતાનો વિષય છે.
રાજકોટ બેઠક માટે રૂપાલા અને માંડવિયા બન્નેના નામ ચર્ચાય છે. હાલ રાજકોટ લોકસભા બેઠક ઉપર કડવા પાટીદાર સમાજના મોહનભાઈ કુંડારિયા સાંસદ છે અને માંડવિયા કે રૂપાલાને અહીંથી લડાવાય તો કુંડારિયાનું પત્તુ કપાવાનું નિશ્ર્ચિત છે.
એક એવી પણ ચર્ચા છે કે, માંડવિયાને પોરબંદરથી પણ લડાવાઈ શકે છે. પરંતુ હાલ તો રાજકીય સમિકરણો બદલી ગયા છે. રાજ્ય સભામાં લેઉવા પાટીદાર સમાજના ઉદ્યોગપતિ ગોદિભાઈ ધોળકિયાને ટિકિટ અપાતા સૌરાષ્ટ્રમાંથી લોકસભાની એક બેઠક કડવા પાટીદારોને આપવી ફરજિયાત થઈ જાય છે. અને આ સમિકરણો માત્ર પોરબંદર અને રાજકોટની બેઠકો ઉપર જ ફીટ બેસે છે.
હાલ તો જો અને તોના ગણિતો જ મંડાય છે. પરંતુ આગામી મહિને જાહેર થનાર લોકસભાની ચૂંટણીમાં ભાજપ જ્ઞાતિનુ સંતુલન કઈ રીતે કરે છે તે સ્પષ્ટ થઈ જશે બીજી તરફ રાજકોટ અને પોરબંદર લોકસભા બેઠકો માટે તૈયારી કરતા ભાજપના જ અન્ય નેતાઓમાં પણ નવા રાજકીય સમિકરણોના કારણે ફાળ પડી છે.