કાલથી બે સ્થળેથી લોકમેળાના ફોર્મ મળશે
જૂની કલેકટર કચેરી સિટી-1 અને તોરલ બિલ્ડિંગ ઇન્ડીયન બેંક ખાતેથી ફોર્મનું કરાશે વિતરણ
રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડ ખાતે જન્માષ્ટમીના તહેવાર નિમીતે પાંચ દિવસ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ લોકમેળામાં રમકડાના સ્ટોલ, ખાણી પીણીના સ્ટોલનું આવતીકાલથી બે સ્થળેથી ફોર્મ વિતરણ શરૂ કરવામાં આવશે.
રાજકોટ કલેકટર પ્રભવ જોષીના અધ્યક્ષ સ્થાને બનેલી લોકમેળા સમીતી દ્વારા દર વર્ષે જન્માષ્ટમીના પર્વ નિમીતે રેસકોર્ષ ગ્રાઉન્ડમાં લોકમેળાનું આયોજન કરવામાં આવે છે અને આ લોકમેળાની આવક જિલ્લામાં વિકાસના કામોમાં વાપરવામાં આવે છે.
દર વર્ષની માફક આ વર્ષે પણ આગામી તા.24 ઓગષ્ટથી 28 ઓગષ્ટ દરમિયાન પાંચ દિવસ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે પરંતુ આ વખતે ટી.આરથી અગ્નિકાંડના કારણે મેળામાં આવતા લાખો લોકોની સુરક્ષા માટે મેળાની ડિઝાઇન બદલાવી સ્ટોલ અને યાંત્રીક રાઇડોમાં 30 ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે.લોકમેળાની નવી ડિઝાઇન ફાઇનલ થયા બાદ આવતીકાલ તા.19/7ને શુક્રવારથી જુની કલેકટર કચેરીમાં આવેલ પ્રાંત અધિકારી-1ની ઓફિસ તેમજ ત્રિકોણ બાગ શાસ્ત્રી મેદાન સામે તોરલ બિલ્ડીંગમાં આવેલ ઇન્ડીયન બેંક ખાતેથી મેળાના સ્ટોલ માટેના ફોર્મનું વિતરણ શરૂ કરવામાં આવશે આ વખતે મેળાના ફોર્મનો ભાવ રૂા.200 રાખવામાં આવ્યો છે.