લોધિકાના રાવકી ગામે સરકારી જમીન પર દબાણ કરી હલણનો રસ્તો બંધ કરી દીધો : લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ
સરકારી જમીનમાં ગેરકાયદેસર બૌધ્ધ વિહાર બનાવી ખેડૂતોને રસ્તો બંધ કરી દીધો : કલેકટરના આદેશથી નોંધાતો ગુનો
રાજકોટ જિલ્લામાં બેફામ બનેલા ભૂમાફીયાઓ સામે તંત્ર દ્વારા લેન્ડ ગ્રેબીંગ હેઠળ શરૂ કરેલી કાર્યવાહીમાં ગત શનિવારે કલેકટરના અધ્યક્ષસ્થાને મળેલી લેન્ડ ગ્રેબીંગની કમીટીમાં 100 જેટલી અરજી મુકવામાં આવી હતી. જેમાં અમુક અરજીમાં ગુનો દાખલ કરવાનો આદેશ કરવામાં આવ્યા બાદ કલેકટરના હુકમથી લોધિકા પોલીસે રાવકી ગામે સરકારી જમીન પર દબાણ કરી ખેડૂતોને હલણનો રસ્તો બંધ કરી દેનાર મહિલા સહિત બે શખ્સો સામે લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ ુગુનો નોંધી ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ, રાજકોટના 150 ફુટ રીંગ રોડ બીગ બજાર પાસે આવેલ એ.પી.પાર્ક શેરી નં.4માં રહેતા જયદીપ જયંતિભાઈ સોજીત્રા (ઉ.24)એ લોધિકા પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે રાવકી ગામે રહેતા હંસાબેન મનસુખભાઈ સિંગલ અને તેના નજીકના સગા મુકેશ ખોડાભાઈ ડાંગરનું નામ આપ્યું છે.
પોલીસ ફરિયાદમાં જણ્વ્ક્ષા પ્રમાણે ફરિયાદીનું મુળ વતન રાવકી ગામે હોય અને ત્યાં તેના પિતાના નામે રેવન્યુ સર્વે નં.652 પૈકીની પોણા 9 વિઘા જમીન આવેલ હોય જે જમીન બે વર્ષ પહેલા ફરિયાદીનાં નામે કરી આપી હતી. જે જમીન ખેડૂતોને ભાગે વાવવા આપેલ છે. ત્રણ વર્ષ પહેલા ફરિયાદીની જમીનને અડીને જ આવેલ સરકારી ખરાબાની કિંમતી જમીન પણ આરોપી મહિલા હંસાબેન સિંગલે દબાણ કરી ઓરડી બનાવી લીધી હતી અને ફરિયાદીનો ખેતરમાં આવવા જવાનો રસ્તો બંધ કરી દીધો હતો.
ત્યારબાદ ફરિયાદી બીજા રસ્તે ખેતરમાં આવતાં જતાં હતાં પરંતુ મહિલાએ દોઢ વર્ષ પહેલા ફરી સરકારી જમીનમાં વધુ ઓરડીઓ બનાવીને ખેડૂતોનો હલણનો રસ્તો જ બંધ કરી દીધો હતો. આ બાબતે સમજાવવા જતાં સરકારી જમીનમાં તારે શું લેવા દેવા તેમ કહી ફરિયાદીની આવન જાવન બંધ કરી દીધી હતી. આ બાબતે ફરિયાદીએ લેન્ડ ગ્રેબીંગ કમીટી સમક્ષ અરજી કરતાં પુરાવાના આધારે જિલ્લા કલેકટર પ્રભવ જોષીની સુચનાથી આજે લોધિકા પોલીસે મહિલા અને તેના નજીકના સગા સામે લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.