લોધિકાના અભેપર ગામની વાડીમાંથી રૂા.1.18 લાખનો દારૂ ઝડપાયો
દારૂનો જથ્થો છુપાવનાર વાડી માલિકની ધરપકડ : સપ્લાયરની શોધખોળ
લોધિકા તાલુકાના અભેપર ગામની સીમમાં શ્યામલ ઈન્ડસ્ટ્રીઝ નજીક વાડીમાં દારૂનો જથ્થો ઉતર્યો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી વાડી માલિકની ધરપકડ કરી રૂા.1.18 લાખની કિંમતની 312 બોટલ દારૂનો જથ્થો કબજે કર્યો હતો. આ દારૂનો જથ્થો કાલાવડના મુળીલા ગામના બુટલેગરે સપ્લાય કર્યાનું ખુલતાં તેની શોધખોળ શરૂ કરવામાં આવી છે.
લોધિકા પોલીસ મથકના પીએસઆઈ કે.વી.પરમાર અને તેમની ટીમે બાતમીના આધારે અભેપર ગામની સીમમાં મહેશ ગોવા દાફડાની વાડીમાં દરોડો પાડયો હતો. જ્યાંથી વાડીની ઓરડીમાં છુપાવેલ 312 બોટલ વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રૂા.1.18 લાખનો વિદેશી દારૂનો જથ્થો કબજે કરી અભેપર ગામની સીમમાં રહેતા મહેશ દાફડાની ધરપકડ કરી હતી. આ દારૂના જથ્થા અંગે મહેશની પુછપરછ કરતાં તેણે આ જથ્થો જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મુળીલા ગામના મહિપાલસિંહ મહેન્દ્રસિંહ જાડેજાએ આપ્યો હોવાની કબુલાત આપી હતી. પોલીસે મહિપાલસિંહની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.