સુરેન્દ્રનગરના દસાડા પાસેથી 5.85 લાખનો દારૂ પકડાયો
સ્ટેટ મોનિટરિંગ સેલનો બાતમીના આધારે દરોડો: બે શખ્સોની ધરપકડ, દારૂ મગાવનાર બૂટલેગર સહિત 8ના નામ ખુલ્યા
સુરેન્દ્રનગર દશાડા હાઈવે પર એસએમસીએ દરોડો પાડી દારૂ ભરેલી ઈનોવા કાર સાથે બે શખ્સોને ઝડપી લઈ રૂા.5.85 લાખની કિંમતની 2686 બોટલ દારૂ કબજે કર્યો હતો. પોલીસે આ દરોડા બાદ તપાસમાં દારૂ મોકલનાર, મંગાવનાર તેમજ કટીંગ કરનાર સહિત આઠ શખ્સોના નામ ખોલ્યા છે. રૂા.22.96 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. દારૂ કટીંગ કરીને લઈ જવાતો હતો ત્યારે જ સ્ટેટ મોનીટરીંગ સેલે રનીંગ રેડ કરી હતી. દારૂનો જથ્થો અર્ટીકા અને ઈનોવા કારમાં કટીંગ કરીને લઈ જવાતો હતો ત્યારે જ દરોડો પાડયો હતો. જેમાં અર્ટીકા કારનો ચાલક ફરાર થઈ ગયો હતો.
સુરેન્દ્રનગર જિલ્લાના દશાડા પાટડી હાઈવે પર અમૃત હોટલ પાસે તેમજ પાટડીથી માલવણ ચોકડી તરફ જતાં રસ્તે સ્ટેટ મોનીટરીંગ સેલે બાતમીના આધારે દરોડો પાડયો હતો. જેમાં એક નંબર પ્લેટ વગરની ઈનોવા કાર અટકાવી તલાસી લેતાં તેમાંથી રૂા.5.85 લાખની કિંમતની 2686 બોટલ દારૂ મળી આવ્યો હતો. આ દારૂ સાથે રાજસ્થાનના ભજનલાલ આસુરામ બીશ્ર્નોઈ અને કલીનર રાજસ્થાનના પપ્પુરામ જગ્ગુરામ બીશ્ર્નોઈની ધરપકડ કરી વાહન સહિત રૂા.22.96 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ દરોડા બાદ પુછપરછમાં દારૂનો જથ્થો રાજસ્થાનથી મોકલનાર બુટલેગર બસંત રબારી તથા અર્ટીકાર નં.જીજે.27 ઈસી 2988માં દારૂનો જથ્થો મોકલનાર તેમજ ઈનોવા કારમાં દારૂનો જથ્થો માલવણ ચોકડી પાસે મંગાવનાર બુટલેગર દારૂ ભરેલી અર્ટીકા કાર લઈને નાસી જનાર તથા અર્ટીકા કારમાં દારૂનો જથ્થો મંગાવનાર બુટલેગર તેમજ ઈનોવા અને અર્ટીકા કારના માલિક સહિત આઠ શખ્સોના નામ ખોલ્યા છે.
આ દારૂનો જથ્થો કટીંગ કર્યા બાદ ઈનોવા અને અર્ટીકા કારમાં લઈ જવાતો હતો ત્યારે જ એસએમસીએ બાતમીના આધારે દરોડો પાડયો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલના આઈજી આર.બી.બ્રહ્મભટ્ટ, ડીઆઈજી નિર્લીપ્ત રાય તથા ડીવાયએસપી કે.ટી.કામડીયાની સુચના અને માર્ગદર્શન હેઠળ સ્ટેટ મોનીટરીંગ સેલના પીએસઆઈ જે.એમ.પઠાણ અને તેમની ટીમે દરોડો પાડયો હતો.