ઉપલેટાની એનિમલ હોસ્ટેલ સહિત પંથકમાં મારણ કરતો દીપડો પાંજરે પુરાયો
ઉપલેટા પંથકમાં ચાર પગે ભારે આતંક મચાવ્યો હતો. ઉપલેટા ના પાટણવાવ રોડ પર હાડફોડી ગામ પાસે ભાદર નદીના કાંઠે આવેલ ઉપલેટા નગરપાલિકા સંચાલિત એનિમલ હોસ્ટેલ (ગૌશાળા) માં 800 કરતાં પણ વધારે નાના મોટા ગાય, વાછરડા અને ખૂંટ રાખવામાં આવ્યા છે જેનો નિભાવ શહેરના દાતાઓના દાનથી થઈ રહ્યો છે. આ એનિમલ હોસ્ટેલમાં એક દીપડો અવારનવાર વાછરડાઓનું મરણ કરી જતો હોય તેમજ ઉપલેટાના સમઢીયાળા, તલંગણા, કુંઢેચ, મજેઠી, લાઠ, ભીમોરા તેમજ હાડફોડી, ચીખલીયા અને ભોળગામડા સુધી અનેક વાછરડાઓ અને પશુઓના મારણ કરેલા હોય, જેને લઇને ખેડૂતો અને માલધારીઓમાં ભયનો માહોલ છવાયો હતો. ખેડૂતોને પાણી વાળવા તેમજ મોસમ તેમજ અન્ય કામકાજ માટે ખેતરે જવામાં ભારે ભય પેસી ગયો હતો.ખેતરોમાં સોયાબીન અને મગફળીની મોસમ ચાલી રહી હોય તેમજ ઘઉંના વાવેતર થઈ રહ્યા હોય ત્યારે શ્રમિક માણસો પણ ખેતરોમાં કામ કરવા માટે આવવામાં ડરી રહ્યા હતા ત્યારે ખેડૂતો છે તે ચિંતામાં મુકાયા હતા.
ખેડૂતો અને પશુપાલકો દ્વારા ફોરેસ્ટ વિભાગને જાણ કરી પાંજરું મુકવા માટે વિનંતી કરી હતી પરંતુ તેના અધિકારી બરાબર ધ્યાન આપતા ન હોય અવારનવાર રજૂઆતો કરવા છતાં ધ્યાન ન અપાતા ખેડૂતો અને પશુપાલકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. છેલ્લા ઘણા સમયથી અનેક વખત ફોરેસ્ટ વિભાગના અધિકારી બી. એમ. બારીયાને જાણ કરવા છતાં કોઈ કામગીરી કરેલ ન હોય. ખેડૂતોના અક્ષેપ પ્રમાણે ફોન પણ ઉપાડતા ન હોય અને યોગ્ય જવાબ પણ ના આપતા હોવાનું જણાવ્યું હતું. ગત 12 નવેમ્બરના રોજ દીપડાએ ગૌશાળામાં ફરી એક વાછરડાનું મારણ કરતા ખેડૂતો અને પશુપાલકો દ્વારા ફોરેસ્ટ વિભાગના અન્ય કર્મચારીઓનો સંપર્ક કરવામાં આવેલ જેને લઇને ફોરેસ્ટર યુ. એન. ચંદ્રવાડીયા, રોજમદારો દાસાભાઈ કટારા તથા નારણભાઈ પરમાર તેમજ ગાર્ડ સાનિયાભાઈ દ્વારા ખુબ જ સુંદર અને સરસ કામગીરી કરીને પાંજરૂૂ ગત 13 નવેમ્બરના રોજ એનિમલ હોસ્ટેલ પાછળ ગોઠવ્યું હતું.
આ પાંજરૂૂ ગોઠવાતા માત્ર ચાર દિવસમાં જ દીપડો છે તે પાંજરે પુરાઈ ગયો હતો અને એનિમલ હોસ્ટેલના સંચાલકો, ખેડૂતો, ગ્રામજનો અને પશુપાલકોએ આ તમામ ચારેય કર્મચારીઓનો આભાર માન્યો હતો અને દિપડો પાંજરે પુરાતા રાહતનો શ્વાસ લીધો હતો.