પાઈપની આડમાં કોડીનાર જતો 19 લાખનો દારૂ ઝડપાયો
સ્ટેટ મોનીટરિંગ સેલનો બાતમીના આધારે બોટાદમાં દરોડો,દારૂ ભરેલો ટ્રક ડ્રાઈવર ઘરે લઈ ગયો અને પોલીસ ત્રાટકી: રૂા.34.20 લાખનો મુદ્દામાલ કબજે: ત્રણ શખ્સોની શોધખોળ
મહારાષ્ટ્રથી પાઈપની આડમાં છુપાવીને લઈ જવાતો રૂા.19.15 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો બોટાદમાં ટ્રક ડ્રાઈવરના ઘરેથી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ઝડપી પાડી રૂા.34.20 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ દારૂનો જથ્થો મહારાષ્ટ્રથી કોડીનાર મોકલવાનો હતો. ડ્રાઈવરને પાઈપની આડમાં દારૂનો જથ્થો હોવાની જાણ થતાં તે આ દારૂ પોતાના ઘરે લઈ ગયો હતો અને ત્યારે જ એસએમસીની ટીમ ત્રાટકી હતી અને દારૂ સાથે બોટાદના શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. પુછપરછમાં આ દારૂનો જથ્થો કોડીનારના બુટલેગરે મંગાવ્યો હોવાનું અને મહારાષ્ટ્રથી બે શખ્સે દારૂ ભરી દીધો હોવાનું ખુલ્યું હતું.
બોટાદ તાલુકાના સમઢીયા ગામમાં રહેતા વિજય ગોરધનભાઈ સેખલીયાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલના ડીવાયએસપી કે.ટી.કામળીયાની સુચનાથી પીએસઆઈ એમ.એચ.સિનોલ અને તેમની ટીમે દરોડો પાડયો હતો. ટ્રક ડ્રાઈવર વિજય સેખલીયાના ઘરેથી રૂપિયા 19,15,600ની કિંમતની 19,156 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો. ટ્રક સહિત રૂા.34.20 લાખનો મુદ્દામાલ કબજે કરી વિજયની પુછપરછ કરતાં તેણે જણાવ્યું કે મહારાષ્ટ્રથી એસ્ટ્રલ પાઈપ ભરીને આ ટ્રક કોડીનાર પહોંચાડવાનો હોવાનું તેને ભાડુ મળ્યું હતું. 30 હજાર રૂપિયા તેને આપવામાં આવ્યા હતાં અને તે કોડીનાર જવાના રવાના થયો ત્યારે શંકા જતાં રસ્તામાં ચેક કરતાં દારૂ હોવાનું જાણવા મળતાં તે આ દારૂનો જથ્થો ઘરે લઈ ગયો હતો અને આ ભાડુ બાંધનારને રૂા.30 હજાર આપી દારૂનો જથ્થો લઈ જવા જણાવ્યું હતું.
પરંતુ બુટલેગરે ફોન બંધ કરી દીધો હતો અને ત્યારે જ એસએમસીએ દરોડો પાડયો હોય એસ.એમ.સી.ની ટીમે દારૂ મંગાવનાર કોડીનારના બુટલેગર અને દારૂનો જથ્થો ભરી આપનાર તથા મોકલનાર સપ્લાયર સહિત ત્રણની શોધખોળ શરૂ કરી છે.
સ્ટેટ મોનીટરીંગ સેલના ડીઆઈજી નિર્લીપ્ત રાય તથા ડીવાયએસપી કે.ટી.કામળીયાની સુચનાથી તેમની ટીમે આ દારૂનો જથ્થો ઝડપી પાડી આગળની તપાસ શરૂ કરી છે.